વડોદરામાં રન ફોર યુનિટીમાં CM દોડમાં જોડાયા:ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

ભારતના આઝાદીના ઘડવૈયા અને દેશને અખંડિતતાના સૂત્રમાં પરોવનાર લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ-2026 તેમજ રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉજવણીમાં સમગ્ર વડોદરા શહેર દેશભક્તિ, ઉત્સાહ અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.
મુખ્યમંત્રીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત અને શપથ ગ્રહણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. નવલખી ગ્રાઉન્ડ ખાતે પધારેલા મુખ્યમંત્રીનું વડોદરા પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે આદરપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપીને ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના અમર પ્રદાનને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. પુષ્પાંજલિ બાદ સમગ્ર ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સભ્યો દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાનના સમાપન બાદ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ઉપસ્થિત તમામ નાગરિકો, અધિકારીઓ અને યુવાનોને દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાના દ્રઢ સંકલ્પ સાથે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
રન ફોર યુનિટીનું પ્રસ્થાન અને મુખ્યામંત્રીની સહભાગિતા ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લીલી ઝંડી બતાવીને રન ફોર યુનિટી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી અને પ્રેરણાદાયી વિશેષતા એ રહી કે મુખ્યમંત્રીએ માત્ર દોડને પ્રસ્થાન કરાવીને વિરામ ન લીધો, પરંતુ તેઓ પોતે પણ અત્યંત ઉત્સાહભેર આ દોડમાં જોડાયા હતા. મુખ્યમંત્રીની નાગરિકો વચ્ચે ઉપસ્થિતિ અને તેમની સક્રિય ભાગીદારીએ દોડમાં ભાગ લઈ રહેલા યુવાનો અને નાગરિકોમાં અદ્ભુત ઊર્જા, જોશ અને નવો ઉત્સાહ ભરી દીધો હતો.
Say No to Drugs, Say Yes to Life - સામાજિક જાગૃતિનો સંદેશ આ વર્ષે યોજાયેલી આ દોડ માત્ર રાષ્ટ્રીય એકતા પૂરતી મર્યાદિત ન રહેતા સામાજિક જાગૃતિનું પણ એક સશક્ત માધ્યમ બની હતી. એક ભારત-શ્રેષ્ઠ ભારતની મૂળ થીમ આધારિત આ આયોજનમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. યુવાનોના હાથમાં Say No To Drugs, Say Yes To Lifeના નારા ધરાવતા અને નશામુક્તિનો સંદેશ આપતા પ્લે કાર્ડ્સ હતા. આ બેનરો દ્વારા યુવાધને નશાની કુટેવથી દૂર રહી સ્વાસ્થ્યપ્રદ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાનો એક બુલંદ સંદેશ આપ્યો હતો. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર ગીતાબેન મકવાણા, વડોદરા શહેરના ધારાસભ્યો અને વિવિધ જનપ્રતિનિધિઓ કલેક્ટર અનિલ ધામેલિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.













