PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી:400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યુંPM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી:400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, રેઈન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે શનિવારે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એકતાનગર (કેવડિયા) ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સમારોહ બાદ વડાપ્રધાન મોદી 400 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એકતાનગર ખાતે આવેલા ‘રેન ફોરેસ્ટ’ અને ‘વામન વૃક્ષ વાટિકા’ની પણ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10:45થી સાંજે 5:10 વાગ્યા સુધી સર્કિટ હાઉસમાં રહેશે. સાંજે 5:15 વાગ્યે તેઓ એકતા પથ જવા રવાના થશે અને સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે. કાર્યક્રમો પૂરા થયા બાદ રાત્રે 8:00 વાગ્યે મોદી એકતાનગરથી વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. રાત્રે 9:10 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે.
ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડીમાં ₹14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ એકતાનગરમાં ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કરી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 300 જેટલા કલાકારો દ્વારા ‘આનંદમઠ’ની નાટ્યપ્રસ્તુતિ રજુ કરાઈ હતી. જે બાદ ‘એકતા પ્રકાશ પર્વ’નું નિરીક્ષણ કર્યું હતું. તેમજ નર્મદા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીમાં સહભાગી થઈ ધન્યતા અનુભવી હતી.













