રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ એકબીજા સાથે અથડાઈ:UPમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર અકસ્માત, સુલતાનપુર કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા

રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ સોમવારે સવારે સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એકબીજા સાથે અથડાઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સ્પીડ વધારે હોવાના કારણે થયો. આ ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. રાહુલ ગાંધી સુરક્ષિત છે.
રાહુલ સુલ્તાનપુર કોર્ટ પહોંચવાના છે. તેઓ અમિત શાહ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં MP-MLA કોર્ટમાં હાજર થશે. કોર્ટ આજે આ કેસમાં ચુકાદો સંભળાવી શકે છે. કોર્ટે રાહુલને હાજર થવા માટે કહ્યું હતું. તેઓ દિલ્હીથી લખનઉ પહોંચ્યા અને એરપોર્ટથી મીડિયા સાથે વાત કર્યા વિના સુલ્તાનપુર જવા રવાના થઈ ગયા.
ભાજપ નેતા વિજય મિશ્રાએ ઑગસ્ટ 2018માં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આરોપ છે કે રાહુલે 8 મે 2018ના રોજ બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું, 'જે પાર્ટી ઈમાનદારીની વાત કરે છે, તેના અધ્યક્ષ પર હત્યાનો આરોપ છે.'









