બહુચરાજી મંદિરમાં 6 માસથી બંધ પડેલા દાનની ગણતરી:બીજા દિવસે 27 લાખ 39 હજારથી વધુની રોકડ ગણાઈ

બહુચરાજી માતાજીના મંદિરમાં છેલ્લા છ મહિનાથી સ્ટોર રૂમમાં કોથળામાં ભરીને રાખવામાં આવેલી દાનની રકમની ગણતરી 28 ઓક્ટબરને બુધવારથી સીસીટીવી કેમેરાની કડક સુરક્ષા અને નિગરાની હેઠળ શરૂ કરાઈ છે. આ વિશેષ કામગીરી માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં એક નાયબ કલેક્ટર, એક મામલતદાર, બે નાયબ મામલતદાર અને ત્રણ મહેસૂલી તલાટી સહિતના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ મંદિરના 21 કર્મચારીઓ અને 3 બેંક અધિકારીઓ આ પ્રક્રિયામાં જોડાયા છે.
દાનની ગણતરી માટે બે રૂમમો ઉપયોગ ગણતરીની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે કચેરીના બે અલગ-અલગ રૂમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક રૂમમાં ચલણી નોટોને અલગ પાડવામાં આવી રહી છે, જ્યારે બીજા રૂમમાં નોટો ભેગી કરીને આધુનિક મશીનો દ્વારા તેની ગણતરી કરવામાં આવી રહી છે. કડી પ્રાંત અધિકારી જાગૃતિબેન પટેલની ઉપસ્થિતિમાં આ ગણતરીનો પ્રારંભ કરાયો હતો.
સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોડિંગ રખાશે મંદિરના વહીવટદાર એ. કે. ઠક્કરે જણાવ્યું કે, દાનની આ સંપૂર્ણ ગણતરી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનું વીડિયો રેકોર્ડિંગ કાયમી ધોરણે સુરક્ષિત સાચવી રખાશે. દાન ગણતરીના પ્રથમ દિવસે અંદાજે 20 લાખ રૂપિયાની રોકડ રકમ ગણવામાં આવી હતી. બીજા દિવસે (29 ઓક્ટોબર) 27 લાખ 39 હજાર 600 રૂપિયાની રોકડની ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
6 નવેમ્બર સુધીની વિગતો જાહેર કરાશે આ દાન ગણતરીની આ મહત્વપૂર્ણ કામગીરી આગામી 6 નવેમ્બર સુધી સતત ચાલુ રહેનાર છે. વહીવટી તંત્ર દ્વારા પારદર્શિતા જાળવવાના હેતુસર દરરોજની ગણતરી પૂર્ણ થયા બાદ તે દિવસ દરમિયાન ગણવામાં આવેલી કુલ રકમ તેમજ નોટોની વિગતવાર માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી રહી છે.











