રાજકોટને નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારની લીલી ઝંડી, આજે સમયપત્રક જાહેર કરાશે

રાજકોટ શહેરમાં તોળાતા જળસંકટ વચ્ચે નાગરિકો માટે અત્યંત રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે.રાજ્ય સરકારે નર્મદાના નીર આપવા માટે લીલી ઝંડી આપી દીધી છે.જેનું સમયપત્રક આજે જાહેર કરવામાં આવશે.પ્રથમ તબક્કામાં જાન્યુઆરી સુધી ચાલે એટલો પાણીનો જથ્થો અપાશે. સરકારે છેક જુલાઈ સુધી પાણી આપવાની સંપૂર્ણ ખાતરી પણ આપી છે.
## **આજે નર્મદાનું સમય પત્રક જાહેર કરાશે**
રાજકોટ શહેરની જીવાદોરી સમાન મુખ્ય જળાશયોને ફરી જીવંત બનાવવા માટે આગામી બે થી ત્રણ દિવસમાં આજી 1, ન્યારી 1 અને ભાદર ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાના નીર ઠલવીને છલોછલ કરવામાં આવશે.પીવાના પાણીના ગંભીર પ્રશ્નને ઉકેલવા તંત્ર દ્વારા સમગ્ર કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રથમ તબક્કા હેઠળ જાન્યુઆરી મહિના સુધી ચાલે તેટલો જરૂરી જળજથ્થો તાત્કાલિક પૂરો પાડવામાં આવનાર છે.ત્યારબાદ સ્થાનિક સ્થિતિને ધ્યાને રાખીને છેક જુલાઈ માસ સુધી રાજકોટવાસીઓને પાણી પૂરું પાડવા અંગે સરકાર તરફથી ખાતરી અપાઈ છે જેના માટે આજે સમયપત્રક જાહેર કરાશે.
## **જળાશયોમાં પાણીનો મર્યાદિત જથ્થો બચ્યો**
રાજકોટમાં આજની તારીખે જળાશયોમાં પાણીનો મર્યાદિત જથ્થો બચ્યો છે.શહેરના આજી-1 ડેમમાં અત્યારે 28% જથ્થો છે અને 29 ફૂટે છલકાતા આજીની સપાટી 18.19 ફૂટે પહોંચી છે. ન્યારી 1 ડેમમાં 27% પાણીનો જથ્થો છે જેમાં 25 ફૂટે છલકાતા ન્યારીની સપાટી 14.21 ફૂટ ભરેલી છે.આ ઉપરાંત શહેરને પાણી પૂરું પાડતા ભાદર-1 ડેમ કે જે 34 ફૂટે છલકાય છે તેની સપાટી 15.80 ફૂટ છે અને તેમાં 17.91% જથ્થો જ ઉપલબ્ધ છે. આજી અને ન્યારી બંને ડેમમાં હજુ રાજકોટને માત્ર 15 દિવસ ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે.












