logo
Breaking News
અપરાધ

મહેસાણા SOGના વાહન સાથે રિક્ષા અથડાતા યુવકનું મોત:વડનગર પોલીસે સરકારી ગાડીના ડ્રાઈવરને બદલે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|2 કલાક પહેલા|3 મિ. વાંચન
મહેસાણા SOGના વાહન સાથે રિક્ષા અથડાતા યુવકનું મોત:વડનગર પોલીસે સરકારી ગાડીના ડ્રાઈવરને બદલે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો
Share:

વડનગરના ગુરુકુળ સર્કલ નજીક રવિવારે રાત્રે બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 28 વર્ષીય રિક્ષાચાલક અમિતજી ઠાકોરનું વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે વડનગર પોલીસે SOGના વાહનચાલકને બદલે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ભેંસો માટે સાગરદાણ લેવા નીકળેલા યુવકને રસ્તામાં કાળ ભરખી ગયો વડનગરના ભાલેસરાવાસમાં રહેતા મહેશજી ઠાકોરની ફરિયાદ મુજબ, વડનગરના ભાલેસરાવાસમાં રહેતા મહેશજી ઈશ્વરજી ઠાકોર (ઉં.વ.29) સંયુક્ત કુટુંબમાં રહે છે અને ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવે છે. રવિવાર સાંજના સમયે મહેશજી, તેમના પિતા અને સૌથી નાના ભાઈ અમિતજી (ઉં.વ.28) ઘરે હાજર હતા. દરમિયાન ઘરની ભેંસો માટે સાગરદાણ લેવાની જરૂરિયાત ઊભી થતા અમિતજી પરિવારની ઓટો રિક્ષા (GJ-02-TT-4738) લઈને લેવા માટે નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેને કાળ ભરખી ગયો હતો.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા પરિવારમાં શોક આશરે રાત્રે 8 વાગ્યે મહેશજીના પિતાના મોબાઈલ પર મહોલ્લામાં રહેતા કમલેશજી કાંતિજી ઠાકોરનો ફોન આવ્યો હતો અને અમિતજીની રિક્ષાને અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે પિતાને જાણ કરતા મહેશજી અને તેમના પિતા તાત્કાલિક ગુરુકુળ સર્કલ નજીક અકસ્માત સ્થળે દોડી ગયા હતા. ત્યાં જઈને જોતા અમિતજીની ઓટો રિક્ષા અને એક વાહન (GJ-18-GB-6818) વચ્ચે અકસ્માત થયેલો હતો. અમિતજી લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા.

સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા પરિવારમાં શોક ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત અમિતજીને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. અહીં સારવાર શરૂ કરવામાં આવી, પરંતુ રાત્રે આશરે પોણા દસ વાગ્યાના અરસામાં અમિતજીને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી આ મામલે વડનગર સ્માર્ટ પોસ્ટમાં નોંધાયેલી દવાખાના વર્ધીના આધારે મહેશજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે કે, વાહન નંબર GJ-18-GB-6818ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે પૂરપાટ ઝડપે હંકારી લાવી તેમના ભાઈની રિક્ષાને અડફેટે લીધી હતી, જેના કારણે રિક્ષાને નુકસાન થયું હતું અને ભાઈને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

માટીના ટેકરા પર રિક્ષાનું ટાયર ચડી જતા અકસ્માત થયાનું પોલીસનું નિવેદન બીજી તરફ આ અકસ્માત અંગે વડનગર પોલીસ સ્ટેશનના PI ઓ. પી. સિસોદિયાએ જણાવ્યું કે, અકસ્માતગ્રસ્ત વાહન મહેસાણા SOGની SML ગાડી હતી. પોલીસ કર્મચારીઓ વડનગર ખાતે બંદોબસ્તમાં આવ્યા હતા અને ત્યાંથી પરત મહેસાણા જઈ રહ્યા હતા, તે દરમિયાન ગુરુકુળ રોડ પર આ દુર્ઘટના બની હતી. આ માર્ગ ટુ-લેન છે અને જ્યાં અકસ્માત થયો ત્યાં રોડની સાઈડમાં લાઈન નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો છે. સામેથી આવી રહેલી રિક્ષાનું ટાયર માટીના ટેકરા પર ચડી જતા રિક્ષા પોલીસ વાહન સાથે અથડાઈ હતી. હાલ વડનગર પોલીસે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થયેલા ચાલકની શોધખોળ સહિત આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ શ્રેણીના વધુ સમાચાર

સંબંધિત સમાચારો