નરોડામાં યુવકનું મર્ડર:3-4 લોકોએ લાકડીઓ અને ધોકા વડે માર મારીને પતાવી દીધો, આરોપીઓની શોધખોળ શરૂ

અમદાવાદના નરોડામાં આંબેડકરનગર પાસે આવેલા કર્મવીર હાઉસિંગ દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજનાની બહાર યુવકની ત્રણથી ચાર લોકોએ લાકડીઓ અને ધોકા વડે માર મારીને હત્યા કરી છે. ઘટનાની જાણ થતા નરોડા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી છે. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે. મૃતક યુવકનું નામ જતીન સોલંકી છે અને તે નરોડાની સુમતિનાથ સોસાયટીમાં રહેતો હતો. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હાલમાં આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિકોએ પોલીસને જાણ કરી સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નરોડામાં જ રહેતા ત્રણથી ચાર લોકો દ્વારા અદાવતમાં હત્યા કરવામાં આવી હોઈ શકે છે. વહેલી સવારે સ્થાનિકોએ જ્યારે યુવકને લોહીલુહાણ હાલતમાં ફૂટપાથ પર જોયો ત્યારે પોલીસને જાણ કરી હતી.
2 આરોપીની ઓળખ નરોડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. યુવકને લાકડા અને અન્ય હથિયારોથી માર મારેલી અને ગંભીર ઈજાઓ થવાથી તેનું મૃત્યુ થયું હતું. પોલીસે જાણ કરતા પરિવારજનો તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. હાલમાં બંનેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.







