કોઈ આવાસમાં ઘર અપાવવાનું કહે તો વિશ્વાસમાં આવશો નહીં:ગોતામાં સરકારી મકાન અપાવવાના બહાને 40 લોકો પાસેથી બે શખસે ₹50 લાખ પડાવ્યાં

અમદાવાદના ગોતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો વેચાણથી અપાવવાની લાલચ આપી અંદાજે 40 જેટલા લોકો પાસેથી રૂ. 50 લાખ પડાવી લેવાયા હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. નિકુંજ ભરવાડ અને ધનરાજ યાદવ નામના બે શખસે મકાન અપાવવા અને દસ્તાવેજ કરાવી આપવાના બહાને દરેક વ્યક્તિ પાસેથી રૂ. 1 લાખથી અઢી લાખ સુધીની રકમ પડાવી છેતરપિંડી આચરી હતી, જે અંગે પોલીસે ગુનો નોંધી બંને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
પાડોશીએ મકાન અપાવવાની લાલચ આપી જાળમાં ફસાવ્યા મેમનગર વિસ્તારમાં ભાડેથી રહેતા અને ઘરઘાટીનું કામ કરતા નરેશ પ્રજાપતિના પાડોશમાં વર્ષ 2024માં ધનરાજ યાદવ રહેતો હતો. ધનરાજે તેનો મિત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો અપાવે છે તેમ કહી નરેશભાઈ અને તેમની પત્નીને ગોતાના વંદે માતરમ રોડ પર આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં 1BHK મકાન બતાવ્યું હતું. મકાનની કિંમત રૂ. 8 લાખ નક્કી કરી, મકાન ન લાગે તો પૈસા પરત આપવાની ખાતરી આપી નિકુંજ ભરવાડ સાથે મુલાકાત કરાવી હતી.
મકાન લાગ્યાનું કહી ટુકડે-ટુકડે રૂ. 2.33 લાખ પડાવી દસ્તાવેજમાં ગલ્લાંતલ્લાં કર્યા આરોપીઓએ નરેશભાઈ પાસેથી શરૂઆતમાં રૂ. 1.60 લાખ લીધા બાદ 13 નંબરનું મકાન લાગ્યું છે તેમ કહી દસ્તાવેજના નામે વધુ રૂ. 73,500 પડાવ્યા હતા. ત્યારબાદ દસ્તાવેજ કરાવવાનું કહેતા ક્યારેક અધિકારીના માતાનું અવસાન થયું હોવાનું તો ક્યારેક આગળથી જવાબ આવશે તેમ કહી બહાના બનાવી સમય પસાર કર્યો હતો.
તપાસ કરતા અન્ય 38 લોકો પણ ઠગાયા હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ લાંબા સમય સુધી મકાન કે દસ્તાવેજ ન મળતા તપાસ કરતા જાણવા મળ્યું કે ધનરાજ યાદવ અને નિકુંજ ભરવાડની વાતોમાં આવી અન્ય 38 જેટલા લોકોએ પણ રૂ. 1 લાખથી 2.50 લાખ સુધીની રકમ ગુમાવી છે. સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.










