વિજલપોરમાં એટીએમનું સરનામું પૂછી મહિલાને લૂંટી:અર્ધબેભાન કરી ₹80 હજારના દાગીના સેરવી લીધા

નવસારીના વિજલપોરમાં એટીએમનું સરનામું પૂછવાના બહાને ત્રણ અજાણી મહિલાઓએ 48 વર્ષીય રમાબેન વિશ્વકર્માને અર્ધબેભાન કરી દીધા હતા. આરોપી મહિલાઓ તેમની પાસેથી ₹80 હજારની કિંમતના સોનાના દાગીના લઈને ફરાર થઈ જતાં વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શાકભાજી માર્કેટમાંથી પરત ફરતાં બનાવ બન્યો એરૂ ચાર રસ્તા પાસે રહેતા રમાબેન 6 October 2026 ના રોજ સાંજે પતિ સાથે વિજલપોર ફાટક પાસે શાકભાજી લેવા ગયા હતા. ખરીદી કરીને પરત ફરતી વખતે સંભાજીનગર શિવ મંદિર પાસે એક મહિલાએ એટીએમ પૂછ્યું અને બીજી મહિલાએ માથામાં ટપલી મારી તેમને અર્ધબેભાન કરી દીધા હતા.
રૂમાલમાં મુકાવી ₹80 હજારના દાગીના પડાવ્યા ત્રણેય મહિલાઓ રમાબેનને શિવ મંદિર પાસે લઈ ગઈ હતી અને ત્યાં તેમની પાસેથી ₹40 હજારની સોનાની ચેઇન, ₹20 હજારની વીંટી તથા ₹20 હજારની કાનની કડી રૂમાલમાં મુકાવી લીધી હતી. ત્યારબાદ મહિલાઓ મેડિકલ સ્ટોર પાસે ઊભા રાખી રિક્ષા લાવવાનું કહીને ભાગી ગઈ હતી.
પરિવારના ડરથી મોડી પોલીસ ફરિયાદ થઈ ઘટના બાદ ગભરાયેલા રમાબેને ઘરમાં ઠપકો મળવાના ડરથી શરૂઆતમાં કોઈને વાત કરી ન હતી. આગામી દિવાળીના તહેવાર ટાણે ઘરેણાં વિશે પૂછપરછ થવાની ચિંતા સતાવતા તેમણે પરિવારને વાત કરી હતી. બાદમાં પરિવારે હિંમત આપતા 29 October ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી વિજલપોર પોલીસે બનાવની ગંભીરતા જોઈ ગુનો નોંધી પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એચ. ફડદુની આગેવાનીમાં તપાસ શરૂ કરી છે. તહેવારોના સમયે નજરબંધી કે ઠગાઈ કરતી ગેંગ સક્રિય થતાં રહીશોમાં ચિંતા વ્યાપી છે અને પોલીસ આરોપી મહિલાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે










