logo
Breaking News
અપરાધ

GTUના પ્રોફેસર ડૉ. મનીષ ઠક્કર સામે UGCમાં ફરિયાદ:બંધ થયેલા જર્નલના પેપરને PhD થિસિસમાં મંજૂરી આપી હોવાનો આક્ષેપ

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|4 કલાક પહેલા|2 મિ. વાંચન
GTUના પ્રોફેસર ડૉ. મનીષ ઠક્કર સામે UGCમાં ફરિયાદ:બંધ થયેલા જર્નલના પેપરને PhD થિસિસમાં મંજૂરી આપી હોવાનો આક્ષેપ
Share:

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના પ્રોફેસર અને રિસર્ચ ગાઇડ ડૉ. મનીષ ઠક્કર સામે PhDના સંશોધન કાર્યમાં શૈક્ષણિક બેદરકારી અને નિયમોના ભંગ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના વિજિલન્સ સેલમાં ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આક્ષેપ મુજબ, ડૉ. ઠક્કરે PhD રિસર્ચ સ્કોલર રીમા રાજકુમાર પારેખના સંશોધન પ્રબંધને નિયમોને નેવે મૂકીને મંજૂરી આપી હતી. જે જર્નલમાં વિદ્યાર્થીનીનું રિસર્ચ પેપર પ્રકાશિત થયું હોવાનું દર્શાવાયું છે, તે જર્નલ અગાઉથી જ બંધ થઈ ગયું હોવાનું અને UGC-CAREની માન્ય યાદીમાંથી દૂર કરાયેલું હોવાનું સામે આવ્યું છે.

2022માં પબ્લિશ બતાવાયું પણ વેબસાઇટ પર 2024માં આવ્યું ફરિયાદીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીનીના 'Biomedical Systems' વિષય પરના પેપરને 'Medicinal Chemistry' નામના જર્નલમાં પ્રકાશિત થયું હોવાનું દર્શાવાયું છે. આ જર્નલ UGCની યાદીમાંથી પહેલેથી જ રદ થયેલું હોવા છતાં આ પેપરને થિસિસમાં સામેલ કરાયું હતું. UGCના નિયમ મુજબ PhD થિસિસ જમા કરાવતા પહેલાં ઓછામાં ઓછું એક માન્ય રિસર્ચ પેપર પ્રકાશિત થવું અનિવાર્ય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ પેપર વર્ષ 2022માં પ્રકાશિત થયેલું બતાવાયું છે, પરંતુ પ્રકાશકની સત્તાવાર વેબસાઇટ પર તે વર્ષ 2024માં ઉપલબ્ધ થયું હોવાની વિગતો સામે આવતાં પ્રકાશન તારીખમાં મોટો ફેરફાર કરાયો હોવાની શંકા ઘેરી બની છે.

ઈ-મેઇલ પુરાવા અને અન્ય પેપર્સ સહિત અગાઉ થયેલી તમામ PhDની તપાસની માગ ફરિયાદમાં પ્રોફેસર પાસે પેપર ક્યારે જર્નલને મોકલવામાં આવ્યું અને ક્યારે મંજૂર થયું તે તમામ મૂળ ઈ-મેઇલ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કરાવવાની માગ કરવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીનીના 'Stochastic Modeling' નામના અન્ય પેપરની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. એટલું જ નહીં, ડૉ. મનીષ ઠક્કરના માર્ગદર્શન હેઠળ અગાઉ જેટલા પણ વિદ્યાર્થીઓએ PhD સંશોધન પૂર્ણ કર્યું છે, તે તમામના જૂના રિસર્ચ પેપર્સ અને થિસિસની પણ ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.

શિસ્તભંગનાં પગલાં ભરવા શિક્ષણ મંત્રી-કુલપતિ સુધી ફરિયાદ ફરિયાદી દ્વારા UGC નિયમોની કલમ 12.2 હેઠળ ડૉ. મનીષ ઠક્કર સામે ત્વરિત તપાસ કમિટી રચી શૈક્ષણિક ગેરરીતિ સામે કડક શિસ્તભંગનાં પગલાં લેવા રજૂઆત કરાઈ છે. ભવિષ્યમાં GTU કે અન્ય કોઈ સંસ્થામાં તેમને PhD માર્ગદર્શક તરીકેની જવાબદારીમાંથી કાયમ માટે મુક્ત કરવા પણ જણાવાયું છે. સંશોધનાર્થીની થિસિસ અને સંલગ્ન પ્રકાશનોની ચકાસણી અર્થે આ ફરિયાદ માત્ર UGC જ નહીં, પરંતુ GTUના કુલપતિ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી સુધી પહોંચાડવામાં આવી છે.

વિગતો આપવાનું ટાળી ઓફિસે રૂબરૂ આવવા જણાવ્યું સમગ્ર વિવાદ અને ગેરરીતિના ગંભીર આક્ષેપો અંગે જ્યારે મીડિયા દ્વારા પ્રોફેસર ડૉ. મનીષ ઠક્કરનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ફોન પર આ મામલે કોઈપણ સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું. તેમણે આ મુદ્દે વિસ્તૃત વિગતો મેળવવા માટે સીધા ઓફિસે રૂબરૂ આવવાનું કહી વાત પૂર્ણ કરી હતી.

સંબંધિત સમાચારો

ટ્રેન્ડ કરી રહ્યા છે