logo
Breaking News
રાજ્ય

એકતાનગરમાં ઉનાળા સહિત બારેમાસ પડશે વરસાદ:31 ઓક્ટોબરે PM મોદી 12 કરોડનો રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ અને દેશના સૌથી મોટા ગ્લાસ વોક-વેનું લોકાર્પણ કરશે

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|6 કલાક પહેલા|2 મિ. વાંચન
એકતાનગરમાં ઉનાળા સહિત બારેમાસ પડશે વરસાદ:31 ઓક્ટોબરે PM મોદી 12 કરોડનો રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ અને દેશના સૌથી મોટા ગ્લાસ વોક-વેનું લોકાર્પણ કરશે
Share:

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે વધુ એક અનોખું આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. 12 કરોડના ખર્ચે 12 એકર જમીનમાં તૈયાર કરવામાં આવેલા રેન ફોરેસ્ટ પ્રોજેક્ટનું 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવી શક્યતા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે 5 કિમીના અંતરે આવેલા ન્યુ ગોરા બ્રિજ અને કોકોનટ ટ્રી ગાર્ડન પાસે આકાર પામેલા આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓને બારેમાસ વરસાદનો અનુભવ મળશે. કૃત્રિમ વરસાદ, વોટરફોલ, બબલ ફાઉન્ટન અને વિશાળ ગ્લાસ વોક-વે સહિતની સુવિધાઓ પ્રવાસીઓને કુદરતી વાતાવરણનો અનોખો અનુભવ કરાવશે.

**બારેમાસ વરસાદનો અનુભવ કરાવશે રેન ફોરેસ્ટ**

રેન ફોરેસ્ટ પ્રોજેક્ટમાં 20 રેન ગન ટાવર દ્વારા કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવશે. પ્રોજેક્ટનું તાપમાન 25થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જાળવવામાં આવશે, જેથી પ્રવાસીઓ ઉનાળાની ગરમીમાં પણ વરસાદની મજા માણી શકશે. બબલ ફાઉન્ટન, વોટરફોલ અને ભારતના વિવિધ રાજ્યોનાં વૃક્ષો પ્રોજેક્ટની સુંદરતામાં વધારો કરશે. કુદરતી જંગલ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓને એક અલગ જ અનુભવ આપશે.

**132 કોરિયન ગ્લાસથી બનેલો ગોળાકાર વોક-વે બનશે આકર્ષણ**

રેન ફોરેસ્ટ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ગ્લાસ વોકવે છે. 35 મિલીમીટર જાડાઈના 132 કોરિયન ગ્લાસથી તૈયાર કરવામાં આવેલો આ ગોળાકાર વોક-વે વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વોકવે પર ચાલીને પ્રવાસીઓ એક અનોખો અનુભવ મેળવી શકશે.

**ગ્લાસ વોક-વે ટાવરની ઊંચાઈ 11 મીટર અને વ્યાસ 22 મીટર**

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક બની રહેલા દેશના સૌથી મોટા ગ્લાસ વોક-વે ટાવરની ડિઝાઇન વળાંકવાળા કાચની છે. તેનો વ્યાસ 22 મીટર અને જમીનથી સ્કાયવોક સુધીની ઊંચાઈ 11 મીટર છે. આ માળખામાં 35 મીમી જાડા ટફન લેમિનેટેડ કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાચ જર્મનીથી આયાત કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમદાવાદમાં તેને કાપીને જરૂરી આકાર આપવામાં આવ્યો હતો અને બાંધકામ સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

**વિશેષ ક્રેનોની મદદથી કાચની પેનલો ગોઠવાઈ રહી છે**

ગ્લાસ ટાવરના નિર્માણમાં વિશાળ કાચની પેનલોને ઊંચાઈ પર પહોંચાડવા માટે વિશેષ પ્રકારની ક્રેનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કામદારો અત્યંત સાવચેતીપૂર્વક કાચની પેનલોને યોગ્ય જગ્યાએ ગોઠવી રહ્યા છે. વળાંકવાળા કાચની ડિઝાઇન અને સ્કાયવોકને કારણે આ ટાવર એકતાનગરના પ્રવાસન આકર્ષણોમાં વિશેષ સ્થાન મેળવી શકે છે.

**પ્રવાસીઓ માટે અનોખો અનુભવ બનશે**

કશ્યપ બિલ્ડર, સુરતના પ્રફુલ નસીતે જણાવ્યું હતું કે રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બનશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને આ પ્રોજેક્ટ દ્વારા એક અનોખો અનુભવ મળશે. કૃત્રિમ વરસાદ અને ગ્લાસ વોકવે જેવી સુવિધાઓ એકતાનગરના પ્રવાસનને નવી ઓળખ આપશે.

સંબંધિત સમાચારો

ટ્રેન્ડ કરી રહ્યા છે