કલોલના ઓળા ગામમાં યુવક પર લોખંડના પાઇપથી હુમલો:બાઇક અથડાવા બાબતે લોહીલુહાણ કરી દીધો, બે સામે ગુનો દાખલ

કલોલ તાલુકાના ઓળા ગામે બાઇક સામસામે આવી જવા જેવી બાબતે થયેલી તકરારમાં બે શખસોએ એક યુવક પર હુમલો કરી લોખંડની પાઇપ માથામાં ઝીંકી દેતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક દર્શાવવામાં આવી રહી છે. આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
**બંનેની બાઇક સામસામે આવી જતાં ટક્કર થતાં રહી ગઈ**
કલોલના ઓળા ગામમાં નાયકવાસ ખાતે રહેતા અને બાવળા સ્થિત ઇન્ટાસ ફાર્મા કંપનીમાં નોકરી કરતા દર્શનભાઈ રમેશભાઈ નાયક ગઈકાલે બપોરના પોતાના ઘરેથી બાઇક લઈને નીકળ્યા હતા. તેઓ ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિર પાસેના વળાંકમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી બસ સ્ટેન્ડ પાસે રહેતો મિતેષ ઉર્ફે મીત જુગાભાઈ પ્રજાપતિ પોતાની બાઇક લઈને નીકળ્યો હતો.
**કેમ લોકોના જીવ લેવા નીકળ્યો છે કહી ગાળો બોલી**
આ સમયે બંનેની બાઇક સામસામે આવી જતાં ટક્કર થતાં રહી ગઈ હતી. આ સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા મિતેષે દર્શનભાઈનું બાઇક રોકાવી દીધું હતું અને તને બાઇક ચલાવતા આવડે છે કે કેમ લોકોના જીવ લેવા નીકળ્યો છે તેમ કહી ગાળો બોલી બોલાચાલી શરૂ કરી હતી.
**બંનેએ ભેગા મળીને યુવકને માર માર્યો**
જેના પગલે જોતજોતામાં મામલો વધુ બિચક્યો હતો અને મિતેષે દર્શનભાઈને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન મિતેષનો પક્ષ લઈને ચામુંડા માતાના મંદિર પાસે રહેતો સુરેશ ગોકળદાસ પ્રજાપતિ પણ ત્યાં દોડી આવ્યો હતો. બંને જણાએ ભેગા મળીને દર્શનભાઈ સાથે ઉગ્ર તકરાર કરી ઢોર માર માર્યો હતો.
**યુવક લોહી લુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો**
આ તકરાર દરમિયાન મિતેષ ઉર્ફે મીતે બાજુમાં પડેલી એક લોખંડની પાઇપ ઉઠાવી દર્શનભાઈના માથાના ભાગે ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે દર્શનભાઈ લોહી લુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યા હતા. હુમલો કર્યા બાદ જતા-જતા મિતેષે હાથમાં લોખંડની પાઇપ બતાવીને ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છે પણ હવે પછી બાઇક લઈને રસ્તામાં મળીશ તો જાનથી મારી નાખીશ.
**માથાના ભાગે ગંભીર ઈજા, બે સામે ગુનો દાખલ**
આ ઘટના અંગે પરિજનોને જાણ થતાં જ દર્શનભાઈના પત્ની સિમરનબેન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પતિને લોહીલુહાણ હાલતમાં જોઈ તેમણે તાત્કાલિક પોતાના સગા અને મિત્રોને ફોન કરીને મદદ માટે બોલાવ્યા હતા. અને ઇજાગ્રસ્ત દર્શનભાઈને સિવિલ હોસ્પિટલ કલોલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાના કારણે વધુ સારવાર માટે તેમને કલોલની શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્શનભાઈની શારીરિક સ્થિતિ ફરિયાદ નોંધાવી શકે તેમ ન હોવાથી તેમના પત્ની સિમરનબેન નાયકે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.













