અદાણી CNGના ભાવમાં 13 દિવસમાં બીજીવાર વધારો:દિવાળી પહેલા કંપનીએ ₹2.30નો વધારો કર્યો, નવો ભાવ ₹100ને પાર

અદાણી કંપનીએ 13 દિવસમાં ફરી CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો વધારો ઝીંક્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.4.45નો મોટો વધારો કરાયો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.100ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે.
તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી રિક્ષાચાલકો CNGના ભાવ વધતા સબસિડી આપવાની સરકાર પાસે માગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
CNGના ભાવમાં વધારો થતો હોવાથી સરકાર દ્વારા ભાડામાં પણ વધારો કરાયો હતો, પરંતુ સરકાર દ્વારા જે ભાડામાં વધારો કરાયો તે ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબર અને રેપીડોમાં ન આપ્યું હોવાથી રિક્ષાચાલકો અત્યારે તેનો બહિષ્કાર કરી રહ્યા છે. ઓનલાઇન એપ્લિકેશનમાં રિક્ષાચાલકોને પ્રતિ કિલોમીટર 20ની જગ્યાએ 10થી 12 રૂપિયા જ આપવામાં આવતો હોવાનો આક્ષેપ છે.
CNGના ભાવ વધારા પાછળના કારણો
- ગેસ ખરીદીના કુલ ખર્ચમાં નોંધપાત્ર વધારોઃ નવા કૂવાના ગેસ અને હાઈ-પ્રેશર હાઈ-ટેમ્પરેચર (HPHT) ગેસની ઓછી પ્રાપ્તિ તેમજ હાજર બજારમાં એલએનજી (LNG)ના ઊંચા ભાવોને કારણે સીએનજી સેગમેન્ટ માટે ગેસ ખરીદવાનો સરેરાશ ખર્ચ ખૂબ વધી ગયો છે.
- નવા કૂવાના ગેસની અછતઃ સસ્તા દરે મળતા સ્થાનિક કુદરતી ગેસ (NWG)ની ફાળવણી ઘટતા સીએનજીની માંગ પૂરી કરવા ઓછા ખર્ચે ગેસ મેળવવાની ઉપલબ્ધતા ઘટી છે.
- પ્રાથમિકતા ધરાવતા ગેસની ઓછી ઉપલબ્ધતાઃ 19 ઓક્ટોબર, 2026ના HPHT ઓફિસ મેમોરેન્ડમ મુજબ, પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે HPHT ગેસના ક્વોટામાં ઘટાડો થતા સીએનજી માટે સ્થાનિક ગેસની ઉપલબ્ધતા ઘટી છે.
- આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવોમાં અસાધારણ ઉછાળોઃ વૈશ્વિક બજારમાં સ્પોટ એલએનજી (LNG)ના ભાવ જે ફેબ્રુઆરી, 2026માં આશરે 10થી 12 યુએસ ડોલર MMBtu હતા, તે હાલમાં વધીને આશરે 30 યુએસ ડોલર MMBtu સુધી પહોંચી ગયા છે, જેના લીધે આયાતી ગેસનો આર્થિક બોજ ઘણો વધ્યો છે.
- ઉત્પાદન ક્ષેત્રે પુરવઠાની મર્યાદાઓ: મુખ્ય ગેસ ઉત્પાદકો તરફથી પુરવઠામાં સતત કાપ મુકવામાં આવી રહ્યો હોવાથી જે ખાધ ઊભી થઈ છે, તેને પૂરી કરવા માટે મોંઘા વૈકલ્પિક સ્રોતો પર નિર્ભર રહેવું પડ્યું છે.
- ભાવમાં સંતુલિત સુધારાની જરૂરિયાત: આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રાહકોને અવિરત પુરવઠો મળતો રહે તે સુનિશ્ચિત કરવા તેમજ ખરીદી ખર્ચના ભારણને આંશિક રીતે સરભર કરવા માટે કંપનીએ પોતે ખર્ચનો મોટો હિસ્સો જાતે નિર્વહન કર્યો છે, અને સીએનજીના ભાવમાં આ મર્યાદિત અને માપસરનો ફેરફાર કરવો જરૂરી બન્યો છે.
અદાણી ગેસને બીજા ક્વાર્ટરમાં ₹173 કરોડનો નફો અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો, એટલે કે આ વખતે નફામાં આશરે 5.9%નો વધારો થયો છે. કંપનીની આવક પણ 34% વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1,576 કરોડ રૂપિયા રહી હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે.









