logo
Breaking News
રમત

બધાની આતુરતાનો અંત આવશે, વૈભવ સૂર્યવંશી રમી શકે!:આજે ન્યૂઝીલેન્ડ સામે બીજી T20 મેચ, હેડ ટુ હેડમાં ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|4 કલાક પહેલા|3 મિ. વાંચન
બધાની આતુરતાનો અંત આવશે, વૈભવ સૂર્યવંશી રમી શકે!:આજે ન્યૂઝીલેન્ડ સામે બીજી T20 મેચ, હેડ ટુ હેડમાં ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ
Share:

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝની બીજી મેચ આજે ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાશે. આ મેચનો ટૉસ બપોરે 12 વાગ્યે થશે, જ્યારે મેચ 12:30 વાગ્યે શરૂ થશે. ઈન્ડિયન ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ સામેની સિરીઝની પહેલી T20 મેચ 4 વિકેટથી જીતીને 1-0થી લીડ મેળવી લીધી છે. હવે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ સરસાઈને બમણી કરવાના ઇરાદાથી મેદાન પર ઉતરશે, જ્યારે યજમાન ટીમ સિરીઝમાં બરાબરી કરવાનો પ્રયાસ કરશે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં સ્ટાર બેટર ઈશાન કિશન ઈજાના કારણે બહાર થઈ ગયો છે. ત્યારે ચર્ચા છે કે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની પ્લેઇંગ-11માં એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવી રહી છે.

**ભારતનું પલડું રહ્યું છે ભારે**

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 32 મુકાબલા થયા છે. તેમાંથી ભારતીય ટીમે 20 મેચ જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડને 11 મુકાબલામાં જીત મળી છે. એક મેચ ટાઈ રહી છે. બંને ટીમ વચ્ચેની છેલ્લી 6 મેચોમાં ભારતે પાંચમાં જીત નોંધાવી છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર બંને ટીમ વચ્ચે 13 મુકાબલા થયા છે. તેમાંથી ભારતે 8 અને ન્યૂઝીલેન્ડે 4 મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે.

**વૈભવ સૂર્યવંશીને મળી શકે છે તક**

ભારતીય વિકેટકીપર બેટર ઈશાન કિશન બીજી T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં તક મળી શકે છે. ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટક પહેલેથી જ સૂર્યવંશીના રમવાના સંકેત આપી ચૂક્યા છે.ભારતીય ઓપનર બેટર સેમસને પહેલી T20માં ટાર્ગેટને ચેઝ કરતી વખતે 33 બોલમાં 67 રન બનાવ્યા છે. તે પોતાની લય જાળવી રાખવા ઇચ્છશે. તો નમન ધીરે 15 બોલમાં નોટઆઉટ 45 રનની ઇનિંગ રમીને ભારતને જીતાડ્યું હતું.

**ગ્લેન ફિલિપ્સ પર રહેશે નજર**

ન્યૂઝીલેન્ડની ટીમને પહેલી T20માં 225 રન બનાવવા છતાં હાર મળી હતી. તે મેચમાં ન્યૂઝીલેન્ડના 3 મુખ્ય ઝડપી બોલરોએ 10 કરતા વધુની ઇકોનોમી રેટથી રન લૂંટાવ્યા હતા. એવામાં કિવી ટીમ પોતાના બોલરો પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સે પહેલી મેચમાં 40 બોલમાં અણનમ 82 રન બનાવ્યા છે. બોલિંગમાં સ્પિનર માઈકલ બ્રેસવેલે પહેલી T20માં પરેશાન કર્યા હતા. તેણે હાઈ સ્કોરિંગ મેચમાં પોતાની 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ લીધી હતી.

**કેવો રહેશે પીચનો મિજાજ?**

ક્રાઇસ્ટચર્ચના હેગ્લે ઓવલની શરૂઆતની સ્થિતિને કારણે ઝડપી બોલરોને મદદ મળી શકે છે. આ મેચ સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. તે સમયે તાપમાન નીચું રહેવાની અપેક્ષા છે. રાત્રે ભેજ પડવાની સંભાવના પણ છે, તેથી ટૉસ જીતનારી ટીમ પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયેલી સિરીઝની પહેલી T20માં અહીં 450+ રન બન્યા છે.

**કેવું રહેશે ક્રાઇસ્ટચર્ચનું વાતાવરણ?**

એક્યૂવેધર મુજબ, 24 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં વરસાદની સંભાવના નથી. મહત્તમ તાપમાન આશરે 26 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. એવામાં આખી મેચ જોવા મળશે.

**બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11**

**ભારત (IND):** અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ.

**ન્યૂઝીલેન્ડ (NZ):** ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.

સંબંધિત સમાચારો

ટ્રેન્ડ કરી રહ્યા છે