અમરેલી-દામનગર રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેને સિંહને ટક્કર મારી:ટ્રેક પર માત્ર પૂછડું મળ્યુ, વનવિભાગે સ્કેનિંગની કામગીરી શરૂ કરી

અમરેલી જિલ્લાના લીલીયા-દામનગર વચ્ચે આજે 22 ઓક્ટોબરની વહેલી સવારે રેલવે ટ્રેક પર સિંહનો ટ્રેન સાથે અકસ્માત સર્જાતા વન વિભાગ દોડતું થયું છે. પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી એક ગુડ્સ ટ્રેને સાવજને અડફેટે લીધો હતો, જેના પગલે ગુડ્સ ટ્રેનને તુરંત જ રોકી દેવામાં આવી હતી.
ઘટનાસ્થળેથી રેલવે ટ્રેક પર સિંહનું પૂંછડું અને રૂંવાટી મળી આવી હતી. વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી સિંહની શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી સિંહ મળ્યો નથી. તેની હાલત વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી.
**રેલવે ટ્રેક પર 'રેલવે સેવકો' તહેનાત કરવામાં આવ્યા નથી**
બીજી તરફ, રેલવે ટ્રેક પર સિંહોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. જે વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો ત્યાં સિંહોનો વસવાટ પ્રમાણમાં ઓછો છે અને વન વિભાગ કે સરકાર દ્વારા ટ્રેક પર કોઈ 'રેલવે સેવકો' પણ તહેનાત કરવામાં આવ્યા નથી, જેના કારણે આ વિસ્તાર સિંહો માટે અસુરક્ષિત બની રહ્યો છે.
ઘટના અંગે સિંહપ્રેમી વિપુલ લહેરીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશનું ગૌરવ એવા સિંહોની સુરક્ષા માટે હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. લાઠી-દામનગર વિસ્તારના રેલવે ટ્રેક પર સિંહોની સુરક્ષા વધારીને વધુ સ્ટાફ તહેનાત કરવો જોઈએ. રાજુલા અને પીપાવાવ વિસ્તારની જેમ અહીં પણ ટ્રેક પર સિંહો ન આવી ચડે તેવી કાયમી વ્યવસ્થા ઉભી કરવી અનિવાર્ય છે.

