પાટણના દેવડાની મીઠાશની દેશ-વિદેશમાં ધૂમ:દિવાળીમાં 10 હજાર કિલોથી વધુ વેચાણનો અંદાજ, વેપારીઓને 800થી 1000 કિલોના એડવાન્સ ઓર્ડર મળ્યા

પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી મીઠાઈઓ વિના અધૂરી છે. દિવાળીના પાંચ દિવસીય પર્વમાં લોકો એકબીજાને મીઠાઈ આપીને શુભેચ્છા પાઠવે છે. આ દરમિયાન બજારમાં વિવિધ પ્રકારની મીઠાઈઓની માંગ વધે છે. ત્યારે પાટણની ઐતિહાસિક રાણીની વાવ, પટોળા અને માટીનાં રમકડાંની જેમ જ અહીંના પ્રખ્યાત દેવડા પણ આગવી ઓળખ ધરાવે છે. અંદાજે 200 વર્ષ જૂની પરંપરા ધરાવતા પાટણના દેવડાની દિવાળીના તહેવારમાં દેશ-વિદેશમાં ભારે માંગ જોવા મળી રહી છે. આ વર્ષે પણ મીઠાઈના વેપારીઓને મોટા પ્રમાણમાં એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે.
200 વર્ષ જૂની પરંપરા ધરાવે છે પાટણના દેવડા પાટણના દેવડા ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં પણ વર્ષોથી પ્રખ્યાત છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, આશરે 200 વર્ષ પહેલાં પાટણ વિસ્તારમાં દૂધની અછત અને પશુપાલનના મર્યાદિત વિકાસને ધ્યાનમાં રાખીને દૂધ વગરની મીઠાઈ તરીકે દેવડા બનાવવાની શરૂઆત થઈ હતી. સમય જતાં આ મીઠાઈ પાટણની ઓળખ બની ગઈ. આજે પાટણના દેવડા અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સહિત દેશનાં અનેક શહેરો ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો સુધી પહોંચે છે.
મેંદાના લોટ, ઘી અને ખાંડમાંથી બને છે સ્વાદિષ્ટ દેવડા દેવડા મુખ્યત્વે મેંદાના લોટ, ઘી અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં મોયણ નાખીને લોટ બાંધવામાં આવે છે. ત્યારબાદ લોટના લુઆમાંથી પૂરી બનાવી તેને ઘીમાં તળવામાં આવે છે. પૂરીને બદામી રંગ આવે ત્યાં સુધી તળ્યા બાદ બહાર કાઢીને ઠંડી કરવામાં આવે છે. બીજા દિવસે તેને ખાંડની ત્રણ તારની ચાસણીમાં ઝબોળવામાં આવે છે. ત્યારબાદ તેના પર બદામ અને પિસ્તાની કતરણથી સજાવટ કરવામાં આવે છે. આ રીતે તૈયાર થતા દેવડા સ્વાદમાં મીઠા અને ખાવામાં સોફ્ટ હોય છે.
ચાર અલગ-અલગ ફ્લેવરમાં મળે છે દેવડા પાટણમાં મુખ્યત્વે કેસર, ચોકલેટ, બદામ-પિસ્તા અને બટરસ્કોચ એમ ચાર ફ્લેવરમાં દેવડા બનાવવામાં આવે છે. શુદ્ધ ઘી અને વનસ્પતિ ઘી એમ બંને પ્રકારમાં આ મીઠાઈ ઉપલબ્ધ છે. સ્વાદ અને ગુણવત્તાને કારણે દેવડાની માંગ માત્ર દિવાળીના તહેવાર પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ અન્ય પ્રસંગોએ પણ લોકો તેને ખરીદવાનું પસંદ કરે છે.
દિવાળીને લઈ વેપારીઓને એડવાન્સ ઓર્ડર મળ્યા પાટણમાં વર્ષોથી દેવડા બનાવતા પ્રવિણ મીઠાઈ ઘરના દિલીપભાઈ સુખડીયાએ જણાવ્યું હતું કે, તેમની દુકાનમાં અનેક પેઢીઓથી દેવડા બનાવવામાં આવે છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ગ્રાહકોના એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે. વનસ્પતિ ઘીના દેવડા પ્રતિ કિલો રૂ.280થી 320, જ્યારે શુદ્ધ ઘીના દેવડા રૂ.560થી 580ના ભાવે વેચાય છે. અલગ-અલગ ફ્લેવરના દેવડાની કિંમત પ્રતિ કિલો રૂ.580થી 600 સુધી છે.
ભેટ-સોગાદમાં પણ દેવડાની પસંદગી દેવડાની ખાસિયત એ છે કે અન્ય દૂધ અને માવામાંથી બનતી મીઠાઈઓની સરખામણીએ તે લાંબા સમય સુધી ટકી શકે છે. આ કારણે લોકો દિવાળી સહિતના તહેવારોમાં સગા-સંબંધીઓને ભેટ તરીકે દેવડા આપે છે. કેટલાક અધિકારીઓ પણ દિવાળીના અવસરે પોતાના કર્મચારીઓને દેવડાની ભેટ આપે છે. પાટણની આ મીઠાઈ વિદેશમાં વસતા ભારતીયો સુધી પણ પહોંચે છે.










