logo
Breaking News
રાજનીતિ

દિવાળી પર રાહુલ ગાંધીની રેલીનો વિરોધ, વેપારીઓએ લખ્યો પત્ર,રામલીલા મેદાનની રેલી 10 નવેમ્બર સુધી મુલતવી રાખવા માંગ કરી.

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|5 કલાક પહેલા|2 મિ. વાંચન
દિવાળી પર રાહુલ ગાંધીની રેલીનો વિરોધ, વેપારીઓએ લખ્યો પત્ર,રામલીલા મેદાનની રેલી 10 નવેમ્બર સુધી મુલતવી રાખવા માંગ કરી.
Share:

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દિલ્હીના વેપારી નેતાઓએ કોંગ્રેસના સાંસદ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને એક મોટી વિનંતી કરી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) એ દિલ્હીના રામલીલા મેદાનમાં ૧ નવેમ્બરે યોજાનારી કોંગ્રેસની રેલીને મુલતવી રાખવા માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે તહેવારોના આ મુખ્ય સમયમાં મોટી રેલી યોજવાથી કરોડો રૂપિયાના વેપારને ભારે નુકસાન થઈ શકે છે.

## **રેલી ભાઈ બીજ સુધી મુલતવી રાખવા વિનંતી**

CTI ના ચેરમેન બ્રિજેશ ગોયલે રાહુલ ગાંધીને પત્ર લખીને વિનંતી કરી છે કે આ રેલી 1 નવેમ્બરના બદલે ભાઈ બીજ પછી એટલે કે 10 નવેમ્બર બાદ આયોજિત કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે ધનતેરસ, દિવાળી અને ભાઈ બીજનો સમયગાળો વેપાર માટે સૌથી મહત્વનો હોય છે. CTI ના અંદાજ મુજબ, જો આ સમયે રેલી યોજાશે તો દિલ્હીના વેપારીઓને આશરે ₹10,000 કરોડના બિઝનેસને સીધી અસર પહોંચવાની ભીતિ છે.

**ટ્રાફિક જામ અને બેરિકેડિંગથી કરોડોનું નુકસાન થવાનો ડર**

રામલીલા મેદાનની ૫ કિલોમીટરની ત્રિજ્યામાં દિલ્હીના 20 થી વધુ મુખ્ય જથ્થાબંધ અને છૂટક બજારો આવેલા છે. જેમાં ચાંદની ચોક, સદર બજાર, ચાવરી બજાર, ખારી બાઓલી, ભગીરથ પેલેસ, કાશ્મીરી ગેટ, નયા બજાર, કરોલ બાગ અને દરિયાગંજ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બજારોમાંથી સમગ્ર દેશમાં માલસામાન સપ્લાય થાય છે. રેલી દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન, બેરિકેડિંગ અને મેટ્રો સ્ટેશન બંધ થવાને કારણે ગ્રાહકો અને વેપારીઓની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ જશે.

**રેલવે સ્ટેશનો અને બહારથી આવતા ખરીદદારોની મુશ્કેલી**

નવી દિલ્હી અને જૂની દિલ્હી રેલવે સ્ટેશન બંને રામલીલા મેદાનની ખૂબ નજીક છે. તહેવારો દરમિયાન દેશભરમાંથી લાખો વેપારીઓ અને ગ્રાહકો સીધા આ સ્ટેશનો પર ઉતરીને ખરીદી કરવા બજારોમાં આવતા હોય છે. રસ્તાઓ બંધ થવાના કારણે બહારથી આવતા આ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.

**ઓક્ટોબરમાં રુ. 3,000 કરોડનું નુકસાન અને CTI નો નિર્ણય**

બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે કનોટ પ્લેસ, ઇન્ડિયા ગેટ અને સેન્ટ્રલ દિલ્હીમાં સતત યોજાતી રેલીઓ અને માર્ચના કારણે ઓક્ટોબર મહિનામાં દિલ્હીના વેપારીઓને પહેલાથી જ આશરે 3,000 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે. CTI એ સ્પષ્ટ કર્યું કે તેઓ લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાના અધિકારનું સન્માન કરે છે, પરંતુ તહેવારોના દિવસોમાં રાજકીય પક્ષોએ મુખ્ય બજાર વિસ્તારોમાં મોટી રેલીઓ યોજવાનું ટાળવું જોઈએ.