logo
Breaking News
વિશ્વ

અમેરિકન ગુપ્તચર એજન્સીઓ CIA-ODNIની સિસ્ટમ પર સાયબર એટેક:હેકર સોશિયલ મીડિયા, સેટેલાઇટ ઈમેજ અને જાહેર ડેટાબેઝ સુધી પહોંચ્યો

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|8 કલાક પહેલા|3 મિ. વાંચન
અમેરિકન ગુપ્તચર એજન્સીઓ CIA-ODNIની સિસ્ટમ પર સાયબર એટેક:હેકર સોશિયલ મીડિયા, સેટેલાઇટ ઈમેજ અને જાહેર ડેટાબેઝ સુધી પહોંચ્યો
Share:

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ CIA અને ODNIની કમ્પ્યુટર સિસ્ટમ પર બુધવારે સાયબર હુમલો થયો છે. હેકર્સે જાહેર સ્ત્રોતોમાંથી ગુપ્તચર માહિતી એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કરતી સિસ્ટમમાં ઘૂસણખોરી કરી.

મીડિયા અહેવાલો અનુસાર, આ સિસ્ટમમાં સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, સેટેલાઇટ તસવીરો અને ખાનગી ડેટા કંપનીઓ પાસેથી મળતી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે.

હાલમાં હુમલા પાછળ કોનો હાથ હતો અને કેટલો ડેટા પ્રભાવિત થયો, તેની માહિતી મળી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સિસ્ટમની ખામી દૂર કરી દેવામાં આવી છે અને કોઈ ગુપ્ત માહિતી પ્રભાવિત થઈ નથી.

ગયા અઠવાડિયે NSA અને FBIની સિસ્ટમ પર સાયબર હુમલા થયા હતા. વિશ્વના ટોચના 7 સાયબર હુમલાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા પ્રથમ સ્થાને છે.

ગયા અઠવાડિયે નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA)નું ગુપ્ત નેટવર્ક પણ થોડા સમય માટે બંધ થઈ ગયું હતું. બીજી તરફ, FBIના રાષ્ટ્રીય ગુના માહિતી ડેટાબેઝમાં થયેલી ઘૂસણખોરીની તપાસ ચાલી રહી છે.

જોકે, ટ્રમ્પ પ્રશાસને આ ઘટનાઓ પાછળ કોઈ એક સંગઠિત સાયબર હુમલાની આશંકાને નકારી કાઢી છે.

નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, હેકરો હવે AIની મદદથી સોફ્ટવેરની નબળાઈઓ ઝડપથી શોધી રહ્યા છે. તેનો સામનો કરવા માટે સરકારી સિસ્ટમને સતત અપડેટ અને સુરક્ષા પેચની જરૂર પડી રહી છે.

સૌથી પહેલાં શું થયું, કઈ-કઈ સિસ્ટમો ઠપ થઈ?

અમેરિકામાં 12થી 17 નવેમ્બર દરમિયાન અનેક સરકારી એજન્સીઓ અને કંપનીઓની સિસ્ટમમાં ખામીઓ આવી. તેના કારણે બેન્કિંગ, ઉડ્ડયન, હોટેલ બુકિંગ અને ઑનલાઇન સેવાઓ પ્રભાવિત થઈ.

12 નવેમ્બર- માઇક્રોસોફ્ટ: આઉટલુક, ટીમ્સ અને કોપાઇલટ ઠપ થઈ ગયા. ઈમેલ અને ઓફિસનું કામકાજ પ્રભાવિત રહ્યું. ખામી 14 નવેમ્બર સુધી ચાલુ રહી.

13 નવેમ્બર- અમેરિકન ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA): નેટવર્ક અને રાઉટરમાં ખામી સર્જાતા 4 કલાકથી વધુ સમય સુધી ઉડાનો રોકવામાં આવી. હજારો ફ્લાઇટ્સ રદ થઈ.

16 નવેમ્બર- જેપી મોર્ગન ચેઝ: ઑનલાઇન બેન્કિંગ અને નાણાં ટ્રાન્સફર કરવાની સેવાને અસર થઈ.

16 નવેમ્બર- યુનાઇટેડ એરલાઇન્સ: સિસ્ટમ 90 મિનિટથી વધુ સમય સુધી ઠપ રહી. આશરે 150 ફ્લાઇટ્સ મોડી પડી.

17 નવેમ્બર-

NSA: ગુપ્તચર એજન્સીનું ગોપનીય નેટવર્ક એનએસએનેટ ઠપ થઈ ગયું. કર્મચારીઓને અલગ-અલગ સમયે કચેરીમાં બોલાવવા પડ્યા.

એપલ: એપલ મ્યુઝિક, એપ સ્ટોર, એપલકેર, આઇક્લાઉડ અને એપલ પેમાં ખામી આવી.

મેરિયટ હોટેલ: વેબસાઇટ અને એપ ઠપ થવાથી હોટેલ બુકિંગ અને ચેક-ઇન પર અસર.

વિશ્વના ટોચના-7 સાયબર હુમલાથી પ્રભાવિત દેશોમાં ભારત પણ સામેલ

માઇક્રોસોફ્ટના ડિજિટલ ડિફેન્સ રિપોર્ટ 2026 મુજબ, વિશ્વના ટોચના-7 સાયબર હુમલાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા ટોચ પર છે. જ્યારે ભારત સાતમા ક્રમે છે. વિશ્વભરમાં ટ્રેક કરવામાં આવેલા સાયબર જોખમોમાં ભારતનો હિસ્સો 2.5% રહ્યો.

ટ્રેન્ડ બદલાયો… 3 રીતે થઈ રહ્યા છે વધુ સાયબર હુમલા

1. ક્યૂઆર કોડ: ઈમેલ અથવા પીડીએફમાં ક્યૂઆર કોડ મોકલવામાં આવે છે. યુઝર તેને સ્કેન કરતાં જ સાયબર હુમલાનો શિકાર બની શકે છે. એક વર્ષમાં માઇક્રોસોફ્ટે 14.5 કરોડ ક્યૂઆર ફિશિંગ હુમલા પકડ્યા.

2. ફેક કૅપ્ચા: વેબસાઇટ પર ‘હું રોબોટ નથી’ અથવા નકલી એરર/અપડેટનો મેસેજ બતાવીને યુઝર પાસે એક કમાન્ડ કૉપી-પેસ્ટ કરાવવામાં આવે છે. 11 લાખ ડિવાઇસમાં આવી પ્રવૃત્તિ જોવા મળી.

3. બોસ અથવા એચઆર બનીને હુમલો: હુમલાખોરો હવે માત્ર બેંક અથવા કંપનીની નકલ કરતા નથી, પરંતુ કર્મચારીના બોસ, એચઆર, પેરોલ ટીમ, વેન્ડર અથવા બિઝનેસ પાર્ટનરની ઓળખ ધારણ કરીને હુમલો કરે છે. એપ્રિલ-જૂન 2026માં રિપોર્ટ કરાયેલા 85% ફિશિંગ ઇમેઇલમાં કોઈની ઓળખની નકલ કરવામાં આવી હતી.