નેપાળમાં લેન્ડિંગ દરમિયાન હવામાં 2 હેલિકોપ્ટર અથડાયા:ભારતીય ટૂરિસ્ટનું મોત, ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો નાગરિક ઘાયલ

નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયા. આ અકસ્માતમાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું, જ્યારે ન્યૂઝીલેન્ડના ભારતીય મૂળના એક નાગરિકને ઈજા થઈ. પ્રારંભિક અહેવાલો અનુસાર, બંને હેલિકોપ્ટરના રોટર બ્લેડ એકબીજા સાથે અથડાયા હતા.
આ અકસ્માત સવારે 8:11 વાગ્યે સોલુખુમ્બુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર થયો. અહીં ફિશટેલ એર અને એર ડાયનેસ્ટીના હેલિકોપ્ટર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફિશટેલ એરનાં હેલિકોપ્ટરમાં સવાર ભારતીય પ્રવાસી વસંત કુમાર બાલારામારામાડુનું મોત થયું છે. આ જ હેલિકોપ્ટરમાં સવાર ન્યૂઝીલેન્ડના નાગરિક શૈલેષ કૃષ્ણ પટેલ ઘાયલ થયા છે. તેઓ ભારતીય મૂળના છે.
એક જ સ્થળે ઉતરવાનો પ્રયાસ કરતાં અકસ્માત
નેપાળી અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક હેલિકોપ્ટર લુકલાથી આવી રહ્યું હતું, જ્યારે બીજું એવરેસ્ટ બેઝ કેમ્પ પાસે ગોરક્ષેપ તરફથી પરત ફરી રહ્યું હતું. બંને અલગ-અલગ દિશામાંથી એક જ સ્થળે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
પ્રાથમિક માહિતી અનુસાર, હેલીપેડ પર બરફ જામી ગયો હોવાને કારણે પણ આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. જોકે, અકસ્માતનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ઘાયલને રેસ્ક્યૂ કરીને કાઠમંડુ લઈ જવામાં આવી રહ્યો છે
સોલુખુમ્બુ જિલ્લા પોલીસ કાર્યાલયના પોલીસ ઇન્સ્પેક્ટર મૌસમ તામાંગના જણાવ્યા મુજબ, ફિશટેલ એરનાં હેલિકોપ્ટરમાં સવાર ભારતીય પર્યટક વસંત કુમાર બાલારામારામાડુનું મોત થયું છે. આ જ હેલિકોપ્ટરમાં સવાર ન્યૂઝીલેન્ડના નાગરિક શૈલેશ કૃષ્ણ પટેલ ઘાયલ થયા છે. તેઓ ભારતીય મૂળના છે.
ઘાયલ શૈલેશને પ્રભુ હેલિકોપ્ટરની મદદથી બચાવીને કાઠમંડુની મેડિસિટી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. બંને હેલિકોપ્ટરના પાઇલટ્સને પણ સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ, મૃતક ભારતીય પર્યટકનો મૃતદેહ લુકલા સ્થિત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો છે.
આ અકસ્માત ખુમ્બુ પાસાંગ લ્હામુ ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં થયો હતો. ફેરીચે એવરેસ્ટ વિસ્તારમાં આવેલું છે અને અહીં આવવા-જવા માટે હેલિકોપ્ટર સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અકસ્માત સમયે બંને હેલિકોપ્ટરમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા અને તેમની ટક્કર કયા કારણોસર થઈ, તેની માહિતી હજુ સામે આવી નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
ફેરીચે હેલિપેડ હેલિકોપ્ટર સર્વિસનું કેન્દ્ર છે
ફેરીચે હેલિપેડ સમુદ્ર સપાટીથી આશરે 4,371 મીટર (14,340 ફૂટ)ની ઊંચાઈ પર આવેલું છે. આ નેપાળના એવરેસ્ટ વિસ્તારમાં હેલિકોપ્ટર સર્વિસનું કેન્દ્ર છે.
અહીંથી પર્વતારોહકો અને ટ્રેકિંગ માટે આવતા પ્રવાસીઓને મદદ પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને ઊંચાઈને કારણે તબિયત બગડવા, શ્વાસ લેવામાં તકલીફ થવા અથવા કોઈ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થવા પર લોકોને હેલિકોપ્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારો અથવા હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવે છે.
ઉત્તરાખંડમાં 4 દિવસ પહેલાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોનાં મોત
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં 30 ઑક્ટોબરે બદ્રીનાથથી દેહરાદૂન પરત ફરી રહેલું ટ્રાન્સ ભારત એવિએશનનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટના જોશીમઠ નજીક ચાઈ ગામ પાસે થઈ હતી. તેમાં પાઇલટ સહિત તમામ 6 લોકોનાં મોત થયા હતા.
હેલિકોપ્ટરમાં 5 મુસાફરો સવાર હતા, જેઓ કર્ણાટકના રહેવાસી હતા. વિમાનએ બપોરે 1:14 વાગ્યે બદ્રીનાથથી ઉડાન ભરી હતી અને જોશીમઠ ખીણ ઉપર તેનો સંપર્ક તૂટી ગયો હતો. દુર્ઘટનાની તપાસ વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) કરી રહ્યું છે.


