સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ: કેમ સરદાર લોખંડી પુરુષ કહેવાય છે, જીવનનું મોટું દુઃખ છતાં મક્કમ મનોબળ, જાણો કિસ્સો

ગુજરાતના એકતાનગર ખાતે આજે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. એવું કહેવાય છે કે જો સરદાર ના હોત તો આજે ભારત દેશના નકશામાં પણ ના હોત. સરદાર વલ્લભાઈએ અંગ્રેજોને ખદેડયા જ નહીં પરંતુ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું. સરદાર વલ્લભાઈને લોખંડી પુરુષ પણ કહેવાય છે. જીવનમાં કઠિન સંઘર્ષ બાદ પણ તેઓ દેશસેવામાં અડિખમ રહી ગાંધીજી અને નહેરુ સાથે સ્વતંત્રતા ચળવળમાં ઝંપલાવ્યું હતું. તેમને લોંખડી પુરુષ કહેવાય છે તે તેમના જીવનમાં બનેલ એક દુઃખદ ઘટના પરથી જાણીએ.
બેરિસ્ટર બનેલ સરદાર કોર્ટમાં લડી રહ્યા હતા કેસ ત્યારે..
એકવાર કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ વકીલ કેસની દલીલ કરી રહ્યા હતા. તે દરમિયાન બહારથી એક વ્યક્તિએ આવીને શાંતિથી તેમને એક ચિઠ્ઠી આપી. વકીલે કોર્ટની કાર્યવાહી દરમિયાન જ ચિઠ્ઠી વાંચી, થોડી ક્ષણ માટે રોકાયા, અને ફરીથી પૂર્ણ એકાગ્રતા સાથે દલીલ કરવા લાગ્યા. અંતે તેઓ કેસ જીતી ગયા. કોર્ટની કાર્યવાહી પૂરી થયા પછી જ્યારે ચિઠ્ઠીનું રહસ્ય ખુલ્યું, ત્યારે ખબર પડી કે તેમાં સંદેશ હતો: "તમારી પત્નીનું અવસાન થયું છે..." કર્તવ્યપ્રતિ આટલી અપ્રતિમ નિષ્ઠા ધરાવનાર વકીલ બીજું કોઈ નહીં પણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ ઘટના તેમના દ્રઢ અને મક્કમ મનોબળનો પુરાવો આપે છે. જે બતાવે છે કે કેમ દેશના આ સ્વતંત્રા સેનાનીને 'લોખંડી પુરુષ' કહેવાય છે.
જર્મનીના એકીકરણ કરતાં પણ મોટું દેશહિતનું કાર્ય
સરદાર પટેલે તેમના સાથીદારો સાથે મળીને ૫૬૨ જેટલા રજવાડાઓને ભારતીય સંઘમાં એકીકૃત કરવાનું અશક્ય લાગતું કામ કરી બતાવ્યું હતું. બીબીસીના એક અહેવાલમાં પી.એન. ચોપરાએ તેમના જીવનચરિત્ર "ભારતના સરદાર" માં રશિયન વડાપ્રધાન નિકોલાઈ બુલ્ગાનિનને ટાંકીને લખ્યું છે કે, "આપણે ભારતીયો વિશે શું કહી શકીએ? તમે રાજાઓને નાબૂદ કર્યા વગર જ રજવાડાઓનું વિલીનીકરણ કરી દીધું." બુલ્ગાનિનના મતે સરદાર પટેલની આ સિદ્ધિ બિસ્માર્કના જર્મનીના એકીકરણ કરતાં પણ ઘણી મોટી હતી. પ્રખ્યાત લેખક એચ.વી. હડસન લોર્ડ માઉન્ટબેટનને ટાંકીને જણાવે છે કે, "જો નેહરુ ગૃહ મંત્રાલયના વડા બન્યા હોત તો બધું વિખેરાઈ ગયું હોત. વાસ્તવિકવાદી અને વ્યવહારુ પટેલે ખૂબ જ અદ્ભુત કામ કર્યું."
મોતીલાલ નેહરુએ પણ કર્યા હતા સરદારના મુક્તકંઠે વખાણ
પટેલના જીવનચરિત્રમાં રાજમોહન ગાંધી નોંધે છે કે, ૧૯૨૮ના પ્રખ્યાત બારડોલી સત્યાગ્રહ અને ખેડૂત આંદોલન પછી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મોતીલાલ નેહરુએ મહાત્મા ગાંધીને પત્ર લખીને જણાવ્યું હતું કે: "એમાં કોઈ શંકા નથી કે વલ્લભભાઈ આ સમયના અસલી હીરો છે. આપણી નૈતિક ફરજ છે કે આપણે તેમને કોંગ્રેસ પ્રમુખ બનાવીએ. જો કોઈ કારણસર આ શક્ય ન બને, તો જ જવાહરલાલ નેહરુ આપણી બીજી પસંદગી હોવા જોઈએ." રાજકીય કારકિર્દીમાં સરદાર પટેલ માત્ર એક જ વાર (૧૯૩૧માં) કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા, જ્યારે અન્ય નેતાઓ મૌલાના આઝાદ, મદન મોહન માલવિયા અને જવાહરલાલ નેહરુને આ તક બે કે તેથી વધુ વખત મળી હતી.
સંઘર્ષમય બાલ્યાવસ્થાથી લંડનમાં પ્રથમ નંબરે ડિગ્રી સુધીની સફર
31 ઓક્ટોબર, 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા વલ્લભભાઈ પટેલ આગળ જતાં સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા. આર્થિક સ્થિતિ નબળી હોવાથી મોંઘો કોલેજ અભ્યાસ કરવાને બદલે તેમણે જાતમેહનતથી 'ડિસ્ટ્રિક્ટ પ્લેડર'ની પરીક્ષા પાસ કરી કાયદાનું જ્ઞાન મેળવ્યું. પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલને અભ્યાસમાં મદદ કર્યા બાદ, તેઓ ઓગસ્ટ 1910માં લંડનની પ્રસિદ્ધ 'મિડલ ટેમ્પલ ઇન'માં વકીલાત કરવા ગયા. ત્યાં તેમણે ૩૬ મહિનાનો અભ્યાસક્રમ માત્ર 30 મહિનામાં પૂરો કરી પ્રથમ વર્ગ (First Class) ની ડિગ્રી મેળવી હતી.
પારિવારિક જીવન અને અપરિણીત રહેવાનો નિર્ણય
1913માં ભારત પાછા ફરીને સરદાર પટેલે અમદાવાદમાં સફળ વકીલાત શરૂ કરી. 1893માં તેમના લગ્ન ઝવેરબા પટેલ સાથે થયા હતા. તેમને બે સંતાનો - પુત્રી મણિબેન પટેલ (જન્મ 1904) અને પુત્ર ડાહ્યાભાઈ પટેલ (જન્મ 1905) હતા. કમનસીબે, 1909માં તેમના પત્ની ઝવેરબાનું કેન્સરની ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું. પત્નીના અવસાન બાદ વલ્લભભાઈએ પુનઃલગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને દેશસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ તેમની જન્મજયંતિને સમગ્ર દેશમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતની રચનામાં તેમણે ભજવેલી ભૂમિકા આજે અખંડ ભારતનો પાયો છે.











