ભાજપનું વોશિંગ મશીન, યુસુફને 20 કરોડનો પ્લોટ 5 કરોડમાં આપ્યો:જૂનમાં TMC છોડી, ઓગસ્ટમાં ગુજરાત સરકારે મંજૂરી આપી


પશ્ચિમ બંગાળના બહેરામપુરાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને તાંદલજા સ્થિત નિવાસ સ્થાન પાસેની TP-22ના ફાઇનલ પ્લોટ નં.90ની ₹20.53 કરોડની 978 ચો.મી. જમીન ફાળવી દેવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરાયો છે, જેમાં વુડા 478 ચોરસ મીટર જમીન તેના પ્રવર્તમાન વેલ્યુએશનના 55% રકમ વસૂલીને ફાળવશે, જ્યારે 500 ચો.મી. જગ્યા વડોદરા મનપા યુસુફ પઠાણને ભેટ સ્વરૂપે આપશે.
14 વર્ષથી ચાલતો આ વિવાદ હવે દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. 2007(T-20) અને 2011(વન ડે)માં ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે યુસુફ પઠાણ તેના સભ્ય હતા. ત્યાર બાદ વર્ષ 2012માં યુસુફ પઠાણે વડોદરા મ્યુનિ. કમિશનરને પત્ર લખી પોતાના બંગલાની બાજુના 978 ચો.મીટરના પ્લોટની ફાળવણી કરવા માગ કરી હતી. જોકે, વર્ષ 2014માં રાજ્ય સરકારે જાહેર હરાજી વિના પ્લોટની ફાળવણીની વડોદરા મનપાની દરખાસ્તને મંજૂરી આપી ન હતી.
જો કે જૂનમાં તેમણે TMCનો સાથ છોડી દીધો હતો અને એનડીએને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન આ મામલો હાઇકોર્ટમાં પણ ચાલી રહ્યો હતો. 12 ઓગસ્ટે રાજ્ય સરકારે કેબિનેટમાં જમીન ફાળવણીની મંજૂરી આપી અને 13 ઓગસ્ટ, 2026ના રોજ શહેરી વિકાસ મંત્રાલયે ઠરાવ કર્યો, જેમાં લખવામાં આવ્યું હતું કે, વર્ષ 2007 અને 2011માં યુસુફ પઠાણ વર્લ્ડ કપ રમ્યા હતા અને તેઓ જીત્યા હતા તેથી તેમને આ જમીન ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.
આમ રાજ્ય સરકારે રાજ્ય સરકારે વર્લ્ડ કપની જીતની 15 વર્ષે ગિફ્ટ આપી છે. ત્યાર બાદ 31 ઓગસ્ટે યુસુફ પઠાણે માફી માંગી હાઇકોર્ટમાંથી અરજી પણ પરત ખેંચી લીધી હતી.
**'10 વર્ષ સુધી દબાણ રહ્યું એ જે તે સમયના અધિકારીઓની બેદરકારી છે': વિજય પવાર**
યુસુફ પઠાણ દ્વારા સરકારી પ્લોટ ઉપર કરવામાં આવેલા દબાણ મુદ્દે ભાજપના જ પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. જોકે, હવે ભાજપ સરકારે યુસુફ પઠાણને આ પ્લોટ ભેટમાં આપવાનો નિર્ણય લેતા ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે જણાવ્યું હતું કે, 2024માં મેં રિઝર્વ પ્લોટ પરના દબાણ અંગે ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો હતો. જૂન, 2012ની સ્થાયી સમિતિની બેઠકમાં યુસુફ પઠાણને પ્લોટ આપવાનું નક્કી થયું હતું, પરંતુ આ રિઝર્વ પ્લોટ હોવાથી રાજ્ય સરકારની મંજૂરી જરૂરી હતી.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી મંજૂરી માંગી હતી. જોકે, રાજ્ય સરકાર દ્વારા જૂન 2014માં દરખાસ્ત રદ કરવામાં આવી હતી, ત્યાર પછી પણ દબાણ દૂર ન થતાં વડોદરા મનપા દ્વારા 2024માં નોટિસ પાઠવી હતી. આ મામલે યુસુફ પઠાણ હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે તેમને તાત્કાલિક દબાણ દૂર કરવા અને સ્વેચ્છાએ ભાડું ચૂકવી આપવા જણાવ્યું હતું.
આ રાજ્ય સરકાર દ્વારા 978 ચોરસ મીટરના પ્લોટમાંથી 500 ચોરસ મીટર પ્લોટ બક્ષિસ તરીકે આપવાનો અને બાકીનો પ્લોટ નક્કી કરેલી રકમ લઈને આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારનો નિર્ણય શિરોમાન્ય છે, પરંતુ 10 વર્ષ સુધી આ રિઝર્વ પ્લોટ પર દબાણ રહેવા દીધું એ જે તે સમયના મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની બેદરકારી છે.

