નલિયાનું તાપમાન ગગડીને 12 ડિગ્રીએ પહોંચ્યું:પવનના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ,જાન્યુઆરીથી કડકડતી ઠંડીની શરૂઆત થઈ શકે

રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. આગામી અમુક દિવસો સુધી નોર્થ-ઈસ્ટર્લી એટલે કે ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાથી પવનો ફૂંકાતા રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો જોવા નહીં મળે. નોર્થર્લીઝ સેટઅપ થયા બાદ ગુજરાતમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, જોકે હાલ પૂરતું તાપમાન યથાવત્ જળવાઈ રહેશે. આજે નલિયાનું તાપમાન ગગડીને 12 ડિગ્રીએ પહોંચ્યું જેથી ઠંડીનો ચમકારો શરૂ થયો.
પવનની દિશાના કારણે ઠંડીનો અનુભવ રાજ્યમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ કડકડતી ઠંડી માટે રાહ જોવી પડી શકે છે. હવામાન વિભાગના મુજબ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીથી કડકડતી ઠંડીની શરૂઆત થઈ શકે છે. અત્યારે જે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તેનું કારણ પવનની દિશા છે. અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફના સૂકા અને ઠંડા પવનોને કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી. ત્યારબાદના બે દિવસ એટલે કે 2 થી 4 ડિસેમ્બર દરમિયાન પણ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તાપમાન ગગડ્યું છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન સૂકું રહ્યું હતું. આ સમયગાળામાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જ્યારે બાકીના વિસ્તારોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચુંથી ખાસ્સું નીચું રહ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં નીચું અને સૌરાષ્ટ્રના કેટલાક અન્ય ભાગોમાં સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે.
આગામી 7 દિવસો સુધી સમગ્ર રાજ્યમાં તાપમાન આ જ પ્રકારે જળવાઈ રહેશે, જેમાં 1થી 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે, પરંતુ તેનાથી વધુ કોઈ ફેરફાર નહીં રહે.








