વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશથી આગળ વધ્યું:12 કલાક સુધી ભારે પવન સાથે વરસાદનું એલર્ટ; અનેક ઝાડ- વીજળીના થાંભલા પડી ગયા

ચક્રવાતી વાવાઝોડું મુરાસુ આંધ્ર પ્રદેશ સાથે અથડાઈને તેલંગાણાની તરફ આગળ વધ્યું છે. જોકે, વાવાઝોડાનો એક ભાગ હજુ પણ આંધ્રના કિનારેથી પસાર થઈ રહ્યો છે. તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 કલાક સુધી ભારે પવન સાથે વરસાદનું એલર્ટ છે.
મુરાસુનું કેન્દ્ર મંગળવારે સવારે સાડા પાંચ વાગ્યે આંધ્રના કિનારાને પાર કરી ગયું હતું. આવી સ્થિતિમાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ મંગળવાર સાંજ સુધીનું છે.
મુરાસુ સોમવારે રાત્રે લગભગ 1 વાગ્યે આંધ્ર પ્રદેશના કિનારે અથડાયું હતું. આ દરમિયાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાના કારણે વિજયવાડા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો.
આંધ્ર પ્રદેશના ત્રણ એરપોર્ટ પર 19 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે ચેન્નાઈ એરપોર્ટથી પણ 11 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. પાંચ રાજ્યોમાં NDRFની 37 ટીમો તહેનાત કરવામાં આવી છે, જેમાંથી 13 ટીમો આંધ્ર પ્રદેશમાં છે.
ઓડિશા સરકારે ગંજામ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લાઓમાંથી 1.6 લાખ લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે મોકલી દીધા છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ ચક્રવાતની અસર જોવા મળી શકે છે.


