logo
Breaking News
અપરાધ

મહેસાણા તાલુકા પોલીસના દારૂ અંગે બે સ્થળે દરોડા:પોણા ચાર લાખના દારૂ સાથે બે બૂટલેગરો ઝડપાયા, ત્રણ ફરાર

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|1 કલાક પહેલા|2 મિ. વાંચન
મહેસાણા તાલુકા પોલીસના દારૂ અંગે બે સ્થળે દરોડા:પોણા ચાર લાખના દારૂ સાથે બે બૂટલેગરો ઝડપાયા, ત્રણ ફરાર
Share:

ગુજરાતમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.જી. અમીન અને તેમની સર્વેલન્સ ટીમે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડીને દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમજ કુલ રૂ. 7,84,964નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

**અઢી લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા**

પ્રથમ કાર્યવાહીમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, ત્યારે બાતમી મળી કે સફેદ રંગના પીકઅપ ડાલામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ધીણોજથી મોટપ ચાર રસ્તા અને મીઠા ચાર રસ્તા થઈને અમદાવાદ તરફ જઈ રહ્યો છે. જેના આધારે હિંગળાજપુરા ગામ નજીક વોચ ગોઠવી શંકાસ્પદ પીકઅપ ડાલાને અટકાવી તપાસ કરાઈ હતી. વાહનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 791 સીલબંધ બોટલો (કિંમત રૂ. 2,55,156) તેમજ પીકઅપ ડાલુ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 5,56,156નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ મામલે પોલીસે બનાસકાંઠાના ધાનેરાના રહેવાસી 28 વર્ષીય દશરથ રબારી અને રાજસ્થાનના 55 વર્ષીય રત્ના રબારીની સ્થળ પરથી ધરપકડ કરી હતી. જ્યારે ગુનામાં સંડોવાયેલા રાજુ બિશ્નોઈ અને કડીના જાવેદ ડેની કલાલને પકડવાના ચક્ર ગતિમાન કરાયા છે.

**દારૂ અને બિયરની 14 પેટીઓ જપ્ત**

બીજી કાર્યવાહીમાં સર્વેલન્સ સ્ટાફના માણસોને ચાણસ્મા હાઇવે રોડ તરફથી સફેદ રંગની ટાટા ઇન્ડિકા વિસ્ટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મહેસાણા તરફ આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ચેકિંગ દરમિયાન પોલીસે આ ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી મહેસાણા તરફ ભગાડી મૂકી હતી. પોલીસે પીછો કરતા ચાલકે પાંચોટ ગામથી દેદીયાસણ જતા રોડ પર ગાડી ઊભી રાખી અંધારાનો લાભ લઈને ઝાડીઓમાં નાસી છૂટ્યો હતો.

ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરની 14 પેટીઓમાંથી 504 સીલબંધ બોટલો (કિંમત રૂ. 1,28,808) તથા ગાડી મળી કુલ રૂ. 2,28,808નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

બંને કેસમાં મહેસાણા તાલુકા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. જે.જી. અમીન ઉપરાંત સર્વેલન્સ સ્ટાફના નટવરસિંહ, હિરેનકુમાર, ભરતભાઇ, પિયુષકુમાર, ગૌરવકુમાર, ભાવીકકુમાર, નિલેશકુમાર, ચેતનકુમાર, ભૌતિકકુમાર અને જયેશકુમાર સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

સંબંધિત સમાચારો