AC ડોમમાં આયોજીત 'ઓજી નવરાત્રિ'ને બંધ કરવા આદેશ:ફાયર વિભાગના ચેકિંગમાં ખુલ્લા વાયરો અને 7 ગેસ સિલિન્ડર મળ્યાં

સુરતના સરસાણામાં એસી ડોમમાં આયોજિત જાણીતી 'ઓજી નવરાત્રિ'માં ફાયર વિભાગના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ખેલૈયાની સુરક્ષા સામે ગંભીર બેદરકારી સામે આવી છે. પરવાનગી વગર એન્ટ્રન્સમાં ફેરફાર, ખુલ્લા વાયરો અને ફૂડ કોર્ટમાં ગેરકાયદે ગેસ સિલિન્ડરનો ઉપયોગ ઝડપાતાં ફાયર વિભાગે તાત્કાલિક ક્લોઝર નોટિસ ફટકારી ડોમ બંધ કરવા આદેશ આપ્યો છે. આ સાથે સ્થાનિક પોલીસને પણ લેખિત જાણ કરાઈ છે.
**સિન્થેટિક મટિરિયલ વચ્ચે ખુલ્લા વાયરોનું જોખમ**
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે, જાહેર જનતાની સલામતીને પ્રાથમિકતા આપીને જે સ્થળોએ અગાઉ ફાયર એનઓસી આપવામાં આવી હતી, ત્યાં નિયમોનું ચુસ્ત પાલન થાય છે કે નહીં? તે ચકાસવા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન ડોમમાં મોટા પાયે સિન્થેટિક મટિરિયલ વપરાયેલું હોવા છતાં 3થી 4 જગ્યાએ જોખમી રીતે ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરો જોવા મળ્યા હતા. કોઈપણ ક્ષણે શોર્ટ સર્કિટથી ભીષણ આગ ભડકી ઊઠે તેવી સ્થિતિ સર્જાયેલી હતી.
**ગેરકાયદેસર રીતે એન્ટ્રન્સ અને ઇમરજન્સી પોઈન્ટ બદલાયા**
તપાસ દરમિયાન સામે આવ્યું કે, એનઓસી મંજૂર કરતી વખતે જે પ્લાન બતાવવામાં આવ્યો હતો તેમાં આયોજકોએ પાછળથી ગેરકાયદે ફેરફાર કરી નાખ્યા હતા. ઇમરજન્સી અને એન્ટ્રન્સ પોઈન્ટ બદલી નંખાતા દુર્ઘટના કે નાસભાગના સમયે હજારો લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
**બે નોટિસ છતાં ફૂડ કોર્ટમાંથી ફરી સિલિન્ડર ઝડપાયા**
ડોમની અંદર ઊભા કરાયેલા ફૂડ કોર્ટમાં સુરક્ષાના તમામ નિયમો નેવે મૂકી દેવાયા હતા. આ જ સ્થળેથી અગાઉ બે નોટિસ પાઠવવામાં આવી ચૂકી હતી અને 16 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા. તેમ છતાં આયોજકો સુધરવાનું નામ ન લેતાં ફરીથી 6થી 7 એલપીજી સિલિન્ડરનો ખુલ્લેઆમ ઉપયોગ થતો ઝડપાયો હતો. બંધ ડોમમાં હજારો લોકોની ભીડ વચ્ચે ગેસ સિલિન્ડર રાખવા એ સીધા જીવનું જોખમ હતું.
**આયોજકો સામે પોલીસ કાર્યવાહીની તૈયારી**
હજારો ખેલૈયાઓ અને મુલાકાતીઓની સુરક્ષા સાથે થઈ રહેલા આ ચેડાંને ગંભીરતાથી લઈને ચીફ ફાયર ઓફિસરે તાત્કાલિક અસરથી ડોમને ક્લોઝર નોટિસ ફટકારી કાર્યક્રમ બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ સાથે જ નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ આયોજકો સામે આગળની કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ મથકને પણ લેખિત રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે.

