આમ જનમત પાર્ટીનું ₹843 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ, પાર્ટી અધ્યક્ષ સહિત 8 સામે ફરિયાદ
માત્ર કાગળ પર ચાલતી રાજકીય પાર્ટીઓ મારફતે મોટા કરદાતાઓનું કાળું નાણું ધોળું કરવાનું અને બોગસ ડોનેશન રસીદો આપી ટેક્સ ચોરી કરાવવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. ન્યુ નરોડામાં નોંધાયેલી આમ જનમત પાર્ટી દ્વારા રૂ.843.97 કરોડથી વધુનું બોગસ ડોનેશન મેળવીને સરકાર સાથે રૂ.250 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ઇન્કમટેક્સ વિભાગે પાર્ટી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ખજાનચી, સીએ સહિત 8 સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
**રાંચી આઇટી રેડમાં કાગળ પરની પાર્ટીનો પર્દાફાશ**
ઝારખંડના રાંચીમાં આઇટી વિભાગ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન મળેલી વિગતો અને ડેટાની તપાસમાં સામે આવ્યું કે, આમ જનમત પાર્ટી ન્યૂ નરોડામાં કાગળ પર ઓફિસ બતાવીને માત્ર કમિશન કમાવવાના આશયથી જ ઊભી કરવામાં આવી હતી. આ પાર્ટીનો હેતુ કોઈ પણ રાજકીય કે ચૂંટણી પ્રવૃત્તિ કરવાનો નહોતો. આરોપીઓ દેશના મોટા કરદાતાઓ પાસેથી બેંકિંગ ચેનલ મારફતે દાન સ્વીકારતા હતા. ત્યારબાદ કરદાતાઓને આવકવેરા કાયદાની કલમ 80GGC હેઠળ 100% ટેક્સ કપાત મેળવવા માટે બોગસ ડોનેશન રસીદો આપવામાં આવતી હતી.
**બોગસ સંસ્થાઓ અને આંગડિયા મારફતે રોકડ પરત કરતા**
પાર્ટીના બેંક ખાતામાં નાણાં આવ્યા બાદ, તેને પ્રેનિત કોર્પોરેશન, હેશાઝ કોર્પોરેશન, આયાન એન્ટરપ્રાઇઝ અને શ્રી રામદેવ એન્ટરપ્રાઇઝ જેવી બોગસ સંસ્થાઓમાં ખરીદીના ખોટા બિલો બનાવીને ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યાંથી રોકડ રકમ ઉપાડી, પોતાનું નક્કી કરેલું કમિશન કાપીને બાકીના નાણાં આંગડિયા પેઢીઓ મારફતે મૂળ કરદાતાઓને કેશ બેક કરી દેવામાં આવતા હતા. તેમજ ખોટા હવાલા પાડતા હતા.
**સીએ અને ઓડિટરોની મિલીભગત**
આ કૌભાંડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઓડિટર દ્વારા કોઈ પણ પ્રકારની દસ્તાવેજી કે ભૌતિક ચકાસણી કર્યા વિના ખોટા કન્ટ્રીબ્યુશન રિપોર્ટ અને બેલેન્સ શીટ તૈયાર કરી ડિજિટલી સાઇન કરીને ઇન્કમટેક્સ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા.
**પાર્ટી અધ્યક્ષ સહિત 8 સામે ફરિયાદ**
આમ, સરકારી તિજોરીને રૂ. 250 કરોડથી વધુ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડી વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો. જેથી આયકર વિભાગે આમ જનમત પાર્ટી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, રાષ્ટ્રીય ખજાનચી ધર્મેન્દ્ર જીવનપ્રકાશ વૈષ્ણવ, સીએ મયૂરસિંહ ચંદનસિંહ રાઠોડ, દાન અને નાણાકીય ટ્રાન્સફર વ્યવસ્થાપક દિનેશકુમાર કપૂરચંદ જૈન, ઓડિટર પ્રણવ રાજેશકુમાર શાહ, ઓડિટર આકાશ પિયુષભાઈ સોની સહિત 8 સામે સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો છે.


