logo
Breaking News
અપરાધ

મંડળી ગરબામાં બબાલ, બાઉન્સર ધોકા-તલવાર લઈને યુવકો પાછળ દોડ્યા:અમદાવાદ નજીક મોડી રાત્રે પ્રવેશ બાબતે માથાફૂટ થતા નાસભાગ

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|17 કલાક પહેલા|2 મિ. વાંચન
મંડળી ગરબામાં બબાલ, બાઉન્સર ધોકા-તલવાર લઈને યુવકો પાછળ દોડ્યા:અમદાવાદ નજીક મોડી રાત્રે પ્રવેશ બાબતે માથાફૂટ થતા નાસભાગ
Share:

અમદાવાદ નજીક સાંતેજ પાસેના ખાત્રજ-કલોલ રોડ પર આવેલા જાણીતા ‘મંડળી’ ગરબા મહોત્સવમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક અસામાજિક તત્વો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ગરબા ગ્રાઉન્ડ બહાર લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે મારામારી થતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ હિંસક જૂથ અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખેલૈયાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

જોકે, ઘટનાની જાણ થતા જ સાંતેજ પોલીસ અને ગાંધીનગર જિલ્લા એલસીબી સહિતની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. હાલ મામલો શાંત પાડી દેવામાં આવ્યો છે. સેપ્ટ મંડળીના જણાવ્યા મુજબ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જગ્યા પર હાલમાં સંપૂર્ણપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

**ગેરકાયદે પ્રવેશ મુદ્દે બબાલ અને તલવારો ખેંચાઈ**

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેટલાક સ્થાનિક શખ્સો પાસ વિના ગેરકાયદેસર રીતે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિક્યુરિટી સ્ટાફે તેમને રોકતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. મામલો એટલી હદે બિચક્યો હતો કે સિક્યુરિટી ગાર્ડ્સ લાકડીઓ અને ખુલ્લી તલવારો લઈને રસ્તા પર આવી ગયા હતા અને સામસામે હુમલા શરૂ કરી દીધા હતા.

**ધીંગાણાને પગલે ભારે દોડધામ મચી**

સેપ્ટ મંડળી ગરબામાં મોંઘા ભાવના પાસ લઈને પરિવાર અને મિત્રો સાથે મન મૂકીને ગરબે ઘૂમવા આવેલા હજારો ખેલૈયાઓમાં આ ધીંગાણાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે ખુલ્લી તલવારો લહેરાતી જોઈને મહિલાઓ અને યુવતીઓ ગભરાઈ ગઈ હતી અને થોડા સમય માટે ગરબાનો માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો.

**મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓમાં રોષ**

આ સમગ્ર ચકચારી ઘટના અને વાયરલ વીડિયો અંગે વાસ્તવિક સ્થિતિ તથા પોલીસ કાર્યવાહીની વિગતો મેળવવા માટે સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સુરેશ ચૌધરીનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં મોંઘાદાટ પાસ વેચતા આયોજકો દ્વારા સુરક્ષાના નામે તલવારો કાઢવાની ઘટનાથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.