મેનિફેસ્ટિંગથી ભાગ્ય બદલવા મથતા સોની પરિવારનો સામૂહિક આપઘાત:ત્રણ પાનાની સુસાઈડ નોટમાં મકાન વેચાણ, લોન અને મરજીથી આપઘાતનો ઉલ્લેખ

વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાં રહેતા સોની પરિવારના સામૂહિક આપઘાતથી આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘરમાં માતા, પુત્રી અને પુત્ર એક જ હોલમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવાર લાંબા સમયથી ગંભીર આર્થિક સંકટ અને માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ પાનની વિસ્તૃત સુસાઈડ નોટ કબજે કરી છે, જેમાં આરતીબેન સોનીએ આ અંતિમ પગલું ભરવા પાછળનું દર્દ શબ્દશઃ વર્ણવ્યું છે.
સુસાઈડ નોટનું પહેલું પાનું: 4 સ્વજનોના વિયોગથી ભાંગી પડ્યા સુસાઈડ નોટના પ્રથમ પાનામાં આરતીબેને આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ દર્શાવતા લખ્યું છે કે, તેમના પરિવારમાંથી માતા, પિતા, ભાઈ અને પતિ એમ ચાર-ચાર મુખ્ય સભ્યો અગાઉ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. પરિવારના મોભીઓ ગુમાવ્યા બાદ તેઓ અંદરથી સાવ ભાંગી પડ્યા હતા અને જીવનથી કંટાળીને આ પગલું ભર્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, તેમણે પોતાનું મકાન શૈલેષભાઈ પટેલને વેચી દીધું છે અને તે પેટે ₹33 લાખ લેવાના બાકી છે. આ મકાન પર SBIની લોન ચાલે છે, જેથી આ મકાન શૈલેષભાઈને સોંપવું અને તેઓ નિર્દોષ હોવાથી તેમને કોઈપણ રીતે હેરાન ન કરવા વિનંતી કરી છે.
બીજું પાનું: ઘરકામ કરતી કામવાળી મહિલાની પ્રમાણિકતાની સાક્ષી પૂરી સુસાઈડ નોટના બીજા પાનામાં આરતીબેને પોતાના ઘરે વર્ષોથી ઘરકામ કરવા આવતી નોકરાણી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, તેમના ઘરે કામ કરતી ઉષાબેન ખૂબ જ ભલી અને સારી વ્યક્તિ છે. આ સમગ્ર ઘટનામાં તેમનો કોઈ વાંકગુનો નથી, તેથી અમારા મૃત્યુ બાદ પોલીસ કે અન્ય કોઈએ ઉષાબેનને કોઈપણ પ્રકારની પૂછપરછ કે તપાસના નામે હેરાન કરવા નહીં.
ત્રીજું પાનું: પોસ્ટમોર્ટમ ન કરવા અને હિન્દુ વિધિથી અંતિમ સંસ્કારની વિનંતી સુસાઈડ નોટના અંતિમ પાનામાં આરતીબેને પરિસ્થિતિ અને આર્થિક ભીંસ સામે લાચાર થઈને સ્વમાનભેર જીવન ટૂંકાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે સ્પષ્ટપણે નોંધ્યું છે કે, આ પગલું પરિવારના ત્રણેય સભ્યોએ સંપૂર્ણપણે પોતાની મરજીથી ભર્યું છે અને આ માટે કોઈ અન્ય જવાબદાર નથી. આ સાથે તેમણે તંત્ર સમક્ષ એવી માગણી કરી છે કે તેમના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં ન આવે અને તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ હિન્દુ રીતિ-રિવાજ મુજબ સંપન્ન કરવામાં આવે.
પરિવાર 'મેનિફેસ્ટિંગ'માં માનતો હતો પોલીસ તપાસમાં એક અનોખો ઘટસ્ફોટ એ પણ થયો છે કે આ પરિવાર 'મેનિફેસ્ટિંગ' પદ્ધતિમાં ઊંડી શ્રદ્ધા ધરાવતો હતો. 'મેનિફેસ્ટિંગ' એ એક એવી વિચારસરણી છે જેમાં મજબૂત હકારાત્મક વિચારો, આત્મવિશ્વાસ અને બ્રહ્માંડની શક્તિ દ્વારા પોતાના સપના, લક્ષ્યો કે આર્થિક સફળતાને વાસ્તવિકતામાં બદલવાનો પ્રયાસ કરવામાં આવે છે. સોની પરિવાર પોતાની આર્થિક કટોકટી દૂર કરવા, ધંધામાં વૃદ્ધિ અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આ વિચારસરણી હેઠળ લખાણો લખી તેની નિયમિત પૂજા કરતો હતો. તપાસ અધિકારીઓએ ઘરમાંથી આવી અનેક લખાણવાળી ચિઠ્ઠીઓ અને દસ્તાવેજો જપ્ત કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.












