જૂનાગઢમાં લૂંટને અંજામ એ પહેલા 5 શખસ રાજકોટથી ઝડપાયા:કુવાડવા પાસેથી કારમાંથી પિસ્તોલ, છરી, ધોકા, સ્ટીક સાથે UP-બિહારના શખસોને પોલીસે દબોચ્યા

પાંચ શખસો જૂનાગઢમાં લૂંટને અંજામ આપે તે પહેલા રાજકોટમાં પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે બાતમીના આધારે SOGએ કારને અટકાવીને પિસ્તોલ, છરી, ધોકા, સ્ટીક કબજે કર્યાં. ઉત્તરપ્રદેશ અને બિહારની આ ગેંગ દ્વારા મોટી ધાડના પ્લાનિંગની કબુલાત આપી છે ત્યારે આ ગેંગ સાથે સંકળાયેલા વધુ એક શખસને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
**XUV 500 કારમાંથી 5 શખસ ઝડપાયા**
રાજકોટ શહેર S.O.G. પોલીસે બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી હતી, જે દરમિયાન કુવાડવા ગામ પાસે વાંકાનેર ચોકડી નજીક બ્રિજ પાસેથી એક શંકાસ્પદ XUV 500 કાર (નંબર MH-06-BE- 3165) અટકાવીને તેમાં સવાર પાંચ શખસને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. જેઓ જૂનાગઢમાં કોઈ મોટી આસામી કે આંગડિયા પેઢીમાં લૂંટ કે ધાડ પાડવાના ઈરાદાથી આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
**મૂળ ઉત્તરપ્રદેશ અને બિહારના શખસોનો લૂંટનો પ્લાન હતો**
પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના જાકીરઅલી લીયાકતઅલી, સૈયદુદ્દીન નજજીમીયા અંસારી, મહમદ શાહબાઝ શેખ, બિહારના રંજનકુમારસિંહ ફિરંગીસિંહ અને થાણેના સંજય સૂર્યનારાયણસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગેંગ સાથે સંકળાયેલ મહેબૂબને પકડવાનો બાકી છે. પોલીસે આ શખસો પાસેથી દેશી બનાવટની પિસ્તોલ (મેગ્ઝિન સાથે), છરી, ટ્રાવેલિંગ તથા સર્જિકલ ઉપયોગના સાધનો, બેઝબોલનો ધોકો, એલ્યુમિનિયમની સ્ટીક અને વિવિધ કંપનીના કુલ 10થી વધુ મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરી છે.
**જૂનાગઢમાં લૂંટને અંજામ આપવાના હોવાની કબૂલાત**
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ આ XUV કાર લઈ રાજકોટ આવ્યા હતા અને અહીંથી જૂનાગઢ જઈને ત્યાંની આંગડિયા પેઢીમાં ઘાતક હથિયારો સાથે ધાડ પાડવાની તૈયારીમાં હતા. પરંતુ પોલીસની સતર્કતાના કારણે તેઓ પોતાના નાપાક મનસૂબામાં સફળ થાય તે પહેલા જ પકડાઈ ગયા હતા. આરોપીઓ વિરુદ્ધ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા તેમજ BNS 2023ની કલમ 310(4), 310(5), 61(2)(એ) તથા આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.











