logo
Breaking News
રાજ્ય

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ભાટ ચાર રસ્તા બંધ:'કેપ્સુલ ડિઝાઇન' તૈયાર કરી વાહનોને 300 મીટરનો યુ-ટર્ન અપાશે

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|21 કલાક પહેલા|1 મિ. વાંચન
અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ભાટ ચાર રસ્તા બંધ:'કેપ્સુલ ડિઝાઇન' તૈયાર કરી વાહનોને 300 મીટરનો યુ-ટર્ન અપાશે
Share:

અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ઇન્દિરા બ્રિજ નજીક આવેલા ભાટ-કોટેશ્વર મુખ્ય ચાર રસ્તાનું જંકશન ટ્રાફિકની સમસ્યાના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે ત્યાં 'કેપ્સુલ ડિઝાઇન' તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે. ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને તરફ એક વધારાની લેન બનાવી નવા યુ-ટર્ન તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે આગામી 15 દિવસમાં પૂર્ણ થતા મોટેરા, કોટેશ્વર અને ભાટના વાહનચાલકોને મોટી રાહત મળશે.

જંકશન બંધ થતાં લોકોને ફરવું પડતું હોવાની રજૂઆત કરાઈ હતી ભાટ ચાર રસ્તા પરનું મુખ્ય જંકશન બંધ કરાતા મોટેરા-કોટેશ્વરથી એરપોર્ટ તરફ જતા વાહનચાલકોને 1 કિલોમીટર દૂર કેબલ બ્રિજ નીચેથી, જ્યારે ભાટ-ગાંધીનગર તરફથી આવતા ચાલકોને ઇન્દિરા બ્રિજ નીચેથી 2 કિલોમીટરનો ફેરો ફરીને યુ-ટર્ન લેવો પડતો હતો. સ્થાનિક નાગરિકોની હાલાકી અંગે રાજકીય નેતાઓ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવતા, ટ્રાફિક પોલીસ અને તંત્ર દ્વારા જંકશન ખોલવાના બદલે કેપ્સુલ ડિઝાઇન બનાવવાનો નિર્ણય લેવાયો છે.

રોડ પહોળો કરી બંને તરફ 300 મીટરના અંતરે નવા યુ-ટર્ન બનાવાશે અમદાવાદ અને ગાંધીનગર તરફ અવરજવર કરતા વાહનચાલકોને અડચણ ન પડે તે માટે હાલ બંને તરફના રોડ પર એક-એક વધારાની લેન બનાવી રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ બંને તરફ 300 મીટરના નવા યુ-ટર્ન તૈયાર કરવામાં આવશે, જેનાથી 15 દિવસમાં જ વાહનવ્યવહાર સરળ બનશે.

આ શ્રેણીના વધુ સમાચાર

સંબંધિત સમાચારો