PM મોદી બાલેન શાહને ભેટી પડ્યા:નેપાળના PMનું ગાર્ડ ઓફ ઑનરથી સ્વાગત, બંને નેતાઓની વાતચીત શરૂ

દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં નેપાળના વડાપ્રધાન બાલેન શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ થઈ છે. બંને નેતાઓ ભારત અને નેપાળના સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે.
નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાતના બીજા દિવસે દિલ્હીમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ બાલેન શાહને ભેટીને આવકાર્યા હતા. આ દરમિયાન રેડ કાર્પેટ પાથરવામાં આવી અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું.
સવારે નેપાળના PM બાલેન શાહ દિલ્હીના રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.આ ઉપરાંત બંને નેતાઓ મળીને ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા અને નેપાળમાં દેવી સીતાના જન્મસ્થળ જનકપુરધામ વચ્ચે દોડનારી નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરશે. આ ટ્રેન દ્વારા બંને તીર્થસ્થળો વચ્ચેની મુસાફરી લગભગ 19 કલાકમાં પૂર્ણ થશે.




