logo
Breaking News
વ્યાપાર

6 મહિનામાં સોનાના ભાવ 2 લાખ થઈ જશે:અમદાવાદ, સુરત, રાજકોટમાં પુષ્ય નક્ષત્ર પહેલાં જ ખરીદવા પડાપડી

એ
એક ભારત બ્યૂરોપ્રતિનિધિ
|3 કલાક પહેલા|6 મિ. વાંચન
6 મહિનામાં સોનાના ભાવ 2 લાખ થઈ જશે:અમદાવાદ, સુરત, રાજકોટમાં પુષ્ય નક્ષત્ર પહેલાં જ ખરીદવા પડાપડી
Share:

આગામી તહેવારો અને લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખીને વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં સોના-ચાંદીના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાને કારણે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ અને ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી જેવા શુભ મુહૂર્તો માટે લોકો અગાઉથી જ એડવાન્સ તથા પ્રી-બુકિંગ કરાવી રહ્યા છે. જ્યારે ગ્રાહકોમાં જૂનું સોનું આપીને નવું ખરીદવાનો ટ્રેન્ડ તેમજ યુવા વર્ગમાં 9, 14 અને 18 કેરેટની જ્વેલરીની માંગ વિશેષ જોવા મળી રહી છે. જ્યારે વેપારીઓ 6 મહિનામાં સોનું 2 લાખને પાર થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

જ્વેલર્સના જણાવ્યા મુજબ વૈશ્વિક પરિસ્થિતિઓ, ડોલર ઇન્ડેક્સ અને માર્કેટ કરેક્શનના કારણે સોનાના ભાવ ઘટીને રૂ. 1.45 લાખ અને ચાંદીના ભાવ રૂ. 1.90 લાખ આસપાસ પહોંચતા ગ્રાહકો માટે ખરીદીની શ્રેષ્ઠ તક સર્જાઈ છે; તેમજ મોટાભાગના શહેરોમાં આ વર્ષે વેચાણમાં 10થી 30 ટકાનો વધારો થવાની ધારણા છે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાહોને કારણે ભાવ ફરીથી વધવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે.

વડોદરામાં 20-25 કરોડના સોનાનું એડવાન્સ બુકિંગ થશે વડોદરામાં આગામી તહેવારો અને વેડિંગ સીઝનને લઈને ગ્રાહકો સોના ચાંદીમાં પ્રિ બુકિંગ કરી રહ્યા છે. 15 ટકા લોકો તો તહેવારો અને લગ્ન સીઝન પહેલા જ સોનાનું એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. જેથી હાલના ડાઉન થયેલા ભાવમાં જ ગોલ્ડ લઈ શકાય. એડવાન્સમાં જ રૂ.20થી 25 કરોડનું સોનુ વડોદરાવાસીઓ બુક કરાવી લેશે. વેપારીઓ પણ રવિ પુષ્ય નક્ષત્રમાં સારી ખરીદી નિકળશે, તેવી આશા રાખી રહ્યા છે.

'જ્વેલરી ખરીદવાનો આ એક ખૂબ જ સારો સમય' ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સના માલિક મંદાર ગણદેવીકરે કહ્યું હતું કે, આ વર્ષે સોના-ચાંદીની ખરીદી માટે ગ્રાહકો પાસે એક ઘણી સારી તક છે. હિસ્ટોરિકલી આ વર્ષની ગણતરી કરીએ તો અગાઉ સોનાનો ભાવ ઊંચામાં 1 લાખ 85 હજાર સુધી પહોંચ્યો હતો. હવે દિવાળીના આ શુભ અવસર અને તહેવારોની સીઝનમાં ભાવમાં સારો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 15-20 દિવસથી એક મહિનામાં જ સોનાના ભાવ ઘટીને 1 લાખ 45 હજાર રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. જેથી ગ્રાહકો માટે જ્વેલરી ખરીદવાનો આ એક ખૂબ જ સારો અને અનુકૂળ સમય છે.

ફેસ્ટિવ અને વેડિંગ સીઝન માટે પ્રી બુકિંગ તેમણે વધુમાં જણાવ્યું કે, આ તહેવારોની સીઝનમાં આપણી સંસ્કૃતિ મુજબ સોનું-ચાંદી ખરીદવાના ત્રણ મુખ્ય અને મહત્વના દિવસો હોય છે: રવિ પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી. ભારતીય સંસ્કૃતિમાં સોના-ચાંદીની ખરીદીને સમૃદ્ધિ અને સુરક્ષા સાથે જોડવામાં આવે છે. આ જ કારણસર ભાવ ઘટતાં ગ્રાહકો આગામી ફેસ્ટિવ અને વેડિંગ સીઝન માટે અત્યારથી જ એડવાન્સ-પ્રી બુકિંગ કરાવી રહ્યા છે તથા ઘટાડાનો લાભ લઈ રહ્યા છે.

'સોના-ચાંદીનું વેચાણ પણ સતત વધી રહ્યું' 'આગામી દિવાળીમાં ભાવ ઘટશે કે વધશે તે અંગે ચોક્કસ આગાહી કરવી શક્ય નથી હોતી, પરંતુ તાજેતરમાં ભાવમાં થયેલા ઘટાડાને કારણે સોનું ખરીદવા માટે આ યોગ્ય તક છે. આ વર્ષે તહેવારોની સીઝનમાં ખરીદી અને વેચાણ ખૂબ સારું રહેશે તેવી આશા છે. હાલમાં શોરૂમમાં ગ્રાહકોની અવરજવર વધી રહી છે અને સોના-ચાંદીનું વેચાણ પણ સતત વધી રહ્યું છે.'

અમદાવાદમાં આ વર્ષે ખરીદીમાં આશરે 20%નો વધારો થઈ શકે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતાં જ ગ્રાહકોની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના તહેવારોને ધ્યાનમાં રાખીને લોકો અત્યારથી જ સોના-ચાંદીના દાગીના અને લગડીઓનું એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. ભાવમાં ઘટાડાને ખરીદી માટેની સારી તક માનીને ગ્રાહકો બજારમાં ખરીદી માટે આગળ આવી રહ્યા છે. ભાવમાં ઘટાડાના કારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સોના-ચાંદીની ખરીદીમાં આશરે 20 ટકાનો વધારો થવાની શક્યતા છે.

સોનામાં 9,14 અને 18 કેરેટ ડિમાન્ડમાં અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ કહ્યું હતું કે, વૈશ્વિક પરિસ્થિતિનો જે પ્રમાણે નિર્માણ થયું છે તેમ જ ભારતમાં ડોલર ઇન્ડેક્સ મજબૂત થતા સોના અને ચાંદીના ભાવમાં ખૂબ સારો ઘટાડો થયો છે. ભાવમાં જે પ્રકારે ઘટાડો નોંધાયો છે તે ગ્રાહકો સ્વીકારી અત્યારથી જ ખરીદીઓ પણ શરૂ કરી દીધી છે. સોના અને ચાંદીની લગડીઓની ખરીદી અને ડિમાન્ડ ખૂબ સારી જોવા મળી રહી છે. સોનામાં 9,14 અને 18 કેરેટમાં પણ ડિમાન્ડ ખૂબ જ જોવા મળી રહી છે. સોનામાં 50 ગ્રામ સુધીની લગડીઓના બુકિંગ સારા થઈ રહ્યા છે. ધનતેરસ અને પુષ્ય નક્ષત્રમાં લગ્નના દાગીનાની ખરીદી લોકો મોટા પ્રમાણમાં કરતા હોય છે.

'9 અને 18 કેરેટના દાગીના સૌથી વધુ લોકો ખરીદી રહ્યા' 'તેમજ એક્સચેન્જ ગોલ્ડમાં પણ ગ્રાહકો વધુ આવી રહ્યા છે. નવરાત્રી પછી સોના અને ચાંદીના દાગીના રેલીમાં વધારે જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 22 કેરેટમાં કોઈપણ દાગીના બનાવતા હતા કે તમામ દાગીના 9 કેરેટમાં પણ બનાવવામાં આવી રહ્યા છે. 9 અને 18 કેરેટના દાગીનામાં સૌથી વધુ લોકો કન્વર્ટ થઈ રહ્યા છે અને તેની ખરીદી વધુ કરી રહ્યા છે. પરંતુ આજની Gen-Z અને યંગ સ્ટર 9,14 અને 18 કેરેટમાં સૌથી વધુ ખરીદી કરી રહ્યા છે.'

'જૂનું આપીને નવા ગોલ્ડની ખરીદી લોકો વધારે કરી રહ્યા છે' AB જવેલર્સના ડાયરેક્ટર કિર્તન સોનીએ કહ્યું હતું કે, અત્યારે પુષ્ય નક્ષત્ર અને દિવાળીનો માહોલ છે. છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 10 દિવસ પહેલા 1 લાખ 55 હજાર ભાવ ચાલતો હતો જે અત્યારે 1 લાખ 45 હજાર સુધી ઘટીને થઈ ગયો છે. જેથી ખરીદી કરવા માટે ગ્રાહકોને પણ ઘણો ફાયદો મળી ગયો છે. તેમજ પહેલી તારીખે પુષ્ય નક્ષત્ર અને 5 તારીખે ધનતેરસના દિવસ માટે ખરીદી પણ લોકો અત્યારથી કરી રહ્યા છે. ભાવ ઘટતા લોકો સોના અને ચાંદીનું એડવાન્સ બુકિંગ પણ લોકો કરવી રહ્યા છે. ભાવ ઘટવાના કારણે ગયા વર્ષ કરતા આ વર્ષે 20 ટકા જેટલી વધુ ખરીદી થાય તેવી આશા રાખી રહ્યા છીએ. જૂનું આપીને નવા ગોલ્ડની ખરીદી લોકો વધારે કરી રહ્યા છે. મુહૂર્તને ધ્યાનમાં રાખી ખરીદી કરી રહ્યા છે જો કે હજુ ભાવ ઘટે તેવી શક્યતા છે જેથી ખરીદીમાં પણ વધારો જોવા મળી શકે છે.

'રાજકોટમાં સોના-ચાંદીનું વેચાણ 30 ટકા વધવાની આશા છે' જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનનાં પ્રમુખ મયુર આડેસરાએ કહ્યું કે, છેલ્લા લગભગ 20થી 25 દિવસથી સોના અને ચાંદીના ભાવમાં વધેલા ભાવથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયમાં સોનામાં રૂ. 8000થી 10,000 અને ચાંદીમાં રૂ.30,000થી 35,000 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ઘટાડા પાછળ ગત વર્ષના લાઈફ ટાઈમ હાઈ ભાવથી થયેલી સરખામણી મુખ્ય કારણ છે, કારણ કે 4-5 મહિના પહેલા સોના અને ચાંદી બંનેમાં લાઈફ ટાઈમ હાઈ ભાવ જોવા મળ્યા હતા.

'હાલમાં ચાંદીના ભાવ જે અગાઉ 4 લાખ રૂપિયાની આસપાસ હતા તે ઘટીને 1,90,000 થી 1,92,000 રૂપિયા આસપાસ એટલે કે 50 થી 60 ટકા જેટલા ઘટી ગયા છે, જ્યારે સોનાના ભાવ પણ 2 લાખ રૂપિયાથી ઘટીને 1,42,000 રૂપિયા આસપાસ પહોંચ્યા છે. આટલો મોટો ઘટાડો થતા ગ્રાહકોમાં ભારે પૂછપરછ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ઘરના પ્રસંગો તેમજ આગામી દિવસોમાં આવનાર પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકો દ્વારા અગાઉથી જ બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળી અને ધનતેરસમાં સોના-ચાંદીનું વેચાણ 10 થી 20 કે 30 ટકા જેટલું વધવાની આશા છે'

'6 મહિનામાં સોનાના ભાવ ફરીથી 2 લાખને પાર થઈ શકે' ભવિષ્યમાં સોનાના ભાવ વધવા અંગે આડેસરાએ જણાવ્યું કે, સોનાએ ક્યારેય ગ્રાહકોને નિરાશ નથી કર્યા, ભૂતકાળમાં પણ જેમણે સોનામાં રોકાણ કર્યું છે તેમને અન્ય કોઇ રોકાણની સરખામણીમાં સારું રિટર્ન મળ્યું છે અને ગ્રાહકોનો સોના પ્રત્યેનો વિશ્વાસ અતૂટ રહ્યો છે. વર્તમાન સમયમાં વિશ્વની સેન્ટ્રલ બેંકો પણ સોનાની ખરીદી કરી રહી છે, જેથી ગ્રાહકો પણ સોનાની ખરીદી કરવા તરફ આકર્ષાઈ રહ્યા છે. જોકે હાલમાં અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ અને અન્ય વૈશ્વિક પરિસ્થિતિઓને લીધે પેનિક સિચ્યુએશન ઊભી થઈ છે, પરંતુ આ યુદ્ધ પૂર્ણ થયાના આગામી 4થી 6 મહિનામાં સોનાના ભાવ ફરીથી 2 લાખ રૂપિયાને પાર કરી જશે તેવી પૂરી શક્યતા છે.

'ભાવવધારાની સરખામણીમાં અત્યારનો ભાવ સૌથી નીચો ગણી શકાય' રાધિકા જ્વેલર્સના મુકેશભાઈ જણાવે છે કે, સોનાના ભાવમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પુષ્ય નક્ષત્ર, દિવાળી તેમજ લગ્નસરાની સિઝન નજીક આવી રહી છે, જેને સોનાની ખરીદી માટે આખા વર્ષના સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે. છેલ્લા 6થી 8 મહિના પૂર્વે સોનાના ભાવમાં જે વધારો જોવા મળ્યો, તેની સરખામણીમાં અત્યારનો ભાવ સૌથી નીચો ગણી શકાય તેમ છે. ત્યારે ગ્રાહકો માટે આ સમય ખરીદી કરવા માટે સૌથી વધુ યોગ્ય છે. ખાસ કરીને આગામી સિઝનમાં લગ્ન પ્રસંગો હોય તેવા લોકોએ અત્યારે ખરીદી કરવી જોઈએ.