ફોર્ચ્યુનર સ્પીડમાં આવી ને કાર અને દિવાલ વચ્ચે યુવક દબાયો:અમદાવાદમાં નબીરાએ દારૂ ઢીંચી ફૂટપાથ પર 4 લોકોને કચડ્યાં

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક 2 નવેમ્બરની રાત્રે આશરે 9.30થી 9.45 વાગ્યાના અરસામાં બેફામ સ્પીડે આવેલી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારે ફૂટપાથ પર બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતાં. કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ભીંસાઈ જતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.
કાર પાછળ ખચે તેમ ન હોવાથી હાજર લોકોએ કારને ઊંચકીને યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ચણિયાચોળી વેચનાર માતા પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનાં 15 વર્ષીય પુત્ર સાગર નગવાડિયાના કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે ખરીદી કરી રહેલા કાર્તિક વસોયા (ઉં.વ.34) અને તેમની પત્ની સ્નેહલબેન વસોયા (ઉં.વ.34) ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
તપાસમાં કારચાલક નાના ચિલોડામાં રહેતો 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે વિરલ દારૂના નશામાં હતો અને કાર ગફલતભરી રીતે હંકારતા સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ વિરલ નશામાં હોવાનું સામે આવ્યું છે અને કારમાંથી 6 બિયરના ટીન પણ મળ્યાં છે.
'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એસ.આઈ. સુમરાએ જણાવ્યું કે,
રાત્રે 9.30 વાગ્યાના અરસામાં અક્ષર હોસ્પિટલ સામે ફૂટપાથ પર GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 2 લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય 2 લોકો હાલ સારવાર હેઠળ છે. મૃતકોમાં પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનો 15 વર્ષીય પુત્ર સાગર જીતેન્દ્રભાઈ નગવાડિયા સામેલ છે, જ્યારે કાર્તિકભાઈ અને એક અજાણી સ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અકસ્માત સર્જનાર કારચાલક વિરલ સવજીભાઈ ચૌધરીની ગાડીમાંથી બિયરનાં ટીન મળી આવ્યાં છે. ઘટના બાદ એકઠા થયેલા લોકોના ટોળાએ માર મારતાં તેમજ નશાની મેડિકલ તપાસ અર્થે ચાલકને હોસ્પિટલ લઈ જવાયો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-105 (સાપરાધ મનુષ્યવધ) તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કારમાંથી બિયરનાં 2 ટીન મળ્યાં. પોલીસ તપાસમાં વધુ 4 મળ્યાં ઘટના નજરે જોનાર અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરનાર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટક્કર એટલી પ્રચંડ હતી કે આસપાસના લોકો તાબડતોબ દોડી આવ્યા હતા. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચાલક વિરલ ચૌધરીને સ્થાનિકોના ટોળાએ ઝડપી પાડી જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસના હવાલે કરાયો હતો. પોલીસે કારની ઝડતી લેતાં અંદરથી બિયરનાં બે ટીન મળી આવ્યાં હતાં. ટોળાના મારથી ઈજાગ્રસ્ત થયેલા ચાલકને નશાની ચકાસણી અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાયો છે.
નોંધનીય છે કે, શરૂઆતમાં બે બિયરના ટીમ મળ્યાં હતા, જ્યારે પોલીસે કારની વધુ તપાસ કરતા વધુ ચાર બિયરના ટીન મળી આવ્યા હતાં.
અગાઉ પણ ઓવરસ્પીડિંગના કારણે મેમો મળ્યો આ જ ફોર્ચ્યુનર કાર અગાઉ પણ બેફામ દોડતી હોવાનું સરકારી ચોપડે નોંધાયું હતું. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ એસ.પી. રિંગ રોડ પર કરાઈ કટ પાસેથી કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેને ઓવરસ્પીડિંગનો ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો. આ બેદરકાર ચાલકે આખરે નિર્દોષ લોકોનો જીવ લીધો છે.


