મૈસૂરમાં 61 વર્ષના હાથી અભિમન્યુના છેલ્લા દશેરા:26 વર્ષ સુધી 750 કિલો સોનાનો હૌદો ઉઠાવીને ચાલ્યો

વિશ્વપ્રસિદ્ધ મૈસુર દશેરામાં આ વખતે ‘જંબો સવારી’માં 61 વર્ષનો હાથી ‘અભિમન્યુ’ છેલ્લી વખત જોવા મળશે. અભિમન્યુ 26 વર્ષથી શાહી યાત્રાનો હિસ્સો રહ્યો છે. તે વર્ષ 2000થી સતત 750 કિલો વજનનો સોનાનો હૌદા ઉપાડીને માતા ચામુંડેશ્વરીની યાત્રાની આગેવાની કરતો આવ્યો છે.
ડીસીએફ ડૉ. આઈ.બી. પ્રભુ ગૌડા જણાવે છે કે નિયમો અનુસાર અભિમન્યુ ગયા વર્ષે નિવૃત્ત થઈ ચૂક્યો છે. મૈસુરના લોકોની વિનંતી પર તેને વિદાય સરઘસની આગેવાની કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેથી અભિમન્યુને લઈને મહેલ સહિત સમગ્ર મૈસુર ભાવુક છે. ત્યાર બાદ તેને મથિગોડુ હાથી શિબિરમાં મોકલી દેવામાં આવશે.
આ દરમિયાન, 21 ઑક્ટોબર સુધી ચાલનારા મૈસુર દશેરા ઉત્સવના સમાપન સમારોહ માટે નવા હાથીઓને રેતીની બોરીઓ અને લાકડાના હૌદા સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ગુરુવારે જણાવ્યું હતું કે આ વર્ષે મૈસુરુ દશેરામાં કમ્બાલા અને તુલુનાડુની ઝાંખીનો સમાવેશ કરવામાં આવશે.
**હાથી અભિમન્યુ… આટલો ખાસ કેમ છે…**
14 વર્ષની ઉંમરથી વન વિભાગમાં સેવા આપી રહેલો અભિમન્યુ કર્ણાટકનો સૌથી શક્તિશાળી ‘કુમકી’ (જંગલી હાથીઓને કાબૂમાં લાવનાર) હાથી છે. તે સૌથી શાંત, સમજદાર અને શિસ્તબદ્ધ છે, તેથી કર્ણાટકનું ગૌરવ છે.
‘ઓપરેશનનો બાદશાહ’ અને ‘એકેએ-47’ના નામથી પ્રખ્યાત આ હાથીએ દેશભરમાં 300થી વધુ હિંસક હાથીઓ અને 80થી વધુ આદમખોર વાઘ-દીપડાઓને પકડવામાં મદદ કરી છે. તેથી તેને ‘કેપ્ટન અભિમન્યુ’ પણ કહેવામાં આવે છે.
ત્રણ દાયકાથી હૌદા સંભાળી રહેલા અકરમ, ભોજનના પ્રભારી રંગરાજ અને મહાવત વસંતા માટે આ વિદાય આંખો ભીની કરી દેનારી છે. વસંતાના પિતા અભિમન્યુના મહાવત રહી ચૂક્યા છે. હવે તેઓ મથિગોડુ કેમ્પમાં પણ તેની સંભાળ રાખશે.
અભિમન્યુ પર ત્રણ પુસ્તકો લખી ચૂકેલા ‘વિજય કર્ણાટક’ના સંપાદક રમેશ ઉથપ્પાએ તેની વિદાય માટે ભાવુક ગીત લખ્યું છે, જે તે જ દિવસે વગાડવામાં આવશે.
**હાથીઓને 8 કલાક સુધી પકાવેલી સ્પેશિયલ ખીચડી આપવામાં આવે છે**
દશેરાના હાથીઓને કોઈ દવા આપવામાં આવતી નથી, પરંતુ તેમનું સ્પેશિયલ ભોજન લીલા અને લાલ ચણા, ચોખા, મીઠું તથા ડુંગળી નાખીને 8 કલાક સુધી પકાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં તાજાં કાચાં શાકભાજી અને ફળો ભેળવીને પીરસવામાં આવે છે. અભિમન્યુ બાદ હવે 750 કિલો વજનનું સોનાનું હૌદું ઉઠાવવા માટે ધનંજય અને પ્રશાંત નામના શક્તિશાળી હાથીઓની તાલીમની અજમાયશ ચાલી રહી છે.
સામાન્ય રીતે સરઘસમાં 14 હાથી હોય છે, પરંતુ આ વખતે અભિમન્યુ સહિત 13 હાથી જંબો સવારીનો ભાગ બનશે.
**ઐતિહાસિક: મહિલા અધિકારીને શાહી યાત્રાની કમાન**
મૈસૂર દશેરાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર યશમા માચમ્માને હાથીઓની ટીમ અને સમગ્ર ઉત્સવની તૈયારીઓની કમાન સોંપવામાં આવી છે. તેઓ અભિમન્યુ અને સમગ્ર ગજસેનાનું મૈસૂર પેલેસમાં સ્વાગત કરશે. માચમ્મા કહે છે કે મૈસૂરમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અગાઉ પણ રહી ચૂકી છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે દશેરા ઉત્સવમાં કોઈ મહિલાને જવાબદારી સોંપવામાં આવી છે.