અકસ્માત
ધંધુકામાં ડમ્પરે ઈકો કારને 30 ફૂટ ઘસડી:કોટન સેલ જીન પાસે અકસ્માત, કારમાં આગ લાગતા એકનું મોત

HARSH NAIYAપ્રતિનિધિ

ધંધુકાના કોટન સેલ જીન પાસે ડમ્પર અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ડમ્પરે ઈકો કારને અડફેટે લેતા કાર લગભગ 30 ફૂટ સુધી ઘસડાઈ હતી. આ અકસ્માત બાદ ઈકો કારમાં આગ લાગી હતી, જેમાં સવાર એક વ્યક્તિનું મોત થયું હતું.
આગ લાગતા જ વૈષ્ણવ સોસાયટીના રહીશો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે પાણીની મોટરથી આગ ઓલવવાનો પ્રાથમિક પ્રયાસ કર્યો હતો. જોકે, આગની તીવ્રતા વધુ હોવાથી ફાયર વિભાગને જાણ કરાઈ હતી.
નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓએ આશરે 40 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિકને કારણે માર્ગ થોડા સમય માટે ડાયવર્ટ કરાયો હતો.