અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે:રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે. ઉપરાંત દર વર્ષની માફક પૈતૃક વતન માણસામાં ઇષ્ટદેવી મા બહુચરના દર્શન અને આરતી કરશે. ત્યાર બાદ કોલવડામાં આયોજિત ગરબા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, તેઓ બપોરે 2:45 કલાકે અમદાવાદના સેટેલાઇટ સ્થિત પ્રેરણા તીર્થ દેરાસર ખાતે ગચ્છાધિપતિ પ.પૂ. નરરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન કરશે. ત્યારબાદ બપોરે 3:15 કલાકે પાલડી સ્થિત શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવશે.
જ્યારે સાંજે 5:45 વાગ્યે ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે દર્શન-પૂજન કરશે અને અહીં નિર્માણ પામનારી ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસવિધિમાં સહભાગી થશે. ત્યારબાદ સાંજે 7:15 કલાકે તેઓ પોતાના વતન માણસા ખાતે સ્થિત કુળદેવી શ્રી બહુચર માતાજીના મંદિરે સંધ્યા આરતીમાં ભાગ લેશે.
**કોલવડા ખાતે નવરાત્રિ ચોકના ગરબા જોવા જશે**
ત્યારબાદ રાત્રે 9:15 કલાકે ગાંધીનગરના કોલવડા ખાતે નવરાત્રિ ચોકમાં શ્રી રામજી મંદિર પાસે નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં હાજરી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.ગૃહમંત્રીના આ પ્રવાસને પગલે તંત્ર દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. ખાસ કરીને માણસા ખાતે પોલીસ કાફલો એક્શન મોડમાં આવી ગયો છે. પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ કચેરીઓ અને માર્ગો પર રિહર્સલ પણ પૂર્ણ કરી લેવાયું છે.
**ગાંધીનગરના મેયર નક્કી કરવાને લઈ પણ ચર્ચાઓ શરૂ**
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ રાજકીય દ્રષ્ટિએ પણ ભારે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકામાં મેયર પદનો કળશ કોના શિર પર ઢોળાશે તે અંગે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે અમિત શાહની આ મુલાકાત પર સૌની નજર ટકેલી છે.